તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
કેરળમાં મંત્રીમંડળના સ્ટાફમાં ચર્ચની ભલામણથી નિમણૂકના આર્કબિશપના દાવોથી રાજકીય ગરમાવો, સતીસન સરકાર મુશ્કેલીમાં
મહેસૂલ મંત્રી અનિલ કુમારે ચર્ચના નોમિનીને સેક્રેટરી બનાવ્યાના નિવેદન બાદ VHP દ્વારા રાજ્યપાલને ફરિયાદ, વિપક્ષ અને સામાજિક સંગઠનોએ ઉઠાવ્યા સવાલો

તિરુવનંતપુરમ : કેરળમાં મુખ્યામંત્રી વી.ડી. સતીસન વારંવાર ભારપૂર્વક કહી રહ્યા છે કે ધાર્મિક અને સમુદાયના નેતાઓએ તેમની સરકારને આદેશ ન આપવો જોઈએ, પરંતુ સાયરો-માલાબાર કેથોલિક ચર્ચના આર્કબિશપ જોસેફ પેમ્પલાનીના એક કબૂલાતનાત્મક દાવાએ રાજ્યમાં મોટો રાજકીય વિવાદ ઊભો કર્યો છે. કાસરગોડ જિલ્લાના એક ગામમાં થેલાસેરી આર્કડિયોસીસના સમારોહમાં બોલતા આર્કબિશપે જાહેર કર્યું હતું કે મહેસૂલ મંત્રી અનિલ કુમારે ચર્ચના પ્રતિનિધિમંડળની વિનંતીથી તેમના દ્વારા ભલામણ કરાયેલ વ્યક્તિને મંત્રીમંડળના સ્ટાફમાં સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા છે. આ ટિપ્પણી બાદ શાસક કોંગ્રેસની આગેવાની હેઠળની યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) સરકાર ભીંસમાં મુકાઈ ગઈ છે.
આર્કબિશપના જણાવ્યા અનુસાર, ચર્ચ ઇચ્છતું હતું કે પર્વતીય પ્રદેશોમાં રહેતા ખ્રિસ્તીઓની જમીન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે જમીન બાબતોથી પરિચિત કોઈ વ્યક્તિ મહેસૂલ મંત્રીના સ્ટાફમાં સામેલ થાય. બિશપ્સના પ્રતિનિધિમંડળે મંત્રીને મળીને આ અંગે રજૂઆત કરી હતી, જેના પર મંત્રીએ કેથોલિક સમુદાયમાંથી એક નામ આપવા કહ્યું હતું અને પોતે આપેલા વચન મુજબ તે નોમિનીને પોતાના સ્ટાફમાં સેક્રેટરી તરીકે નિમણૂક આપી હતી. મંત્રીની હાજરીમાં જ આર્કબિશપે કરેલા આ દાવ ફેંકતા ટીકાકારોએ સવાલ ઉઠાવ્યો છે કે શું સરકારમાં કોઈ ચોક્કસ ધાર્મિક સમુદાયના હિતોને સાચવવા માટે આવી પ્રશાસનિક નિમણૂકો કરવામાં આવી રહી છે.
આ વિવાદ સામે આવતા જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ આ મુદ્દે રાજ્યપાલનો સંપર્ક કરીને મંત્રી અનિલ કુમારે હોદ્દા અને ગુપ્તતાના શપથનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ મૂકી તેમને પદ પરથી હટાવવાની માંગ કરી છે. VHP ના રાજ્ય મહાસચિવ અનિલ વિલાયલે ફરિયાદમાં દાવો કર્યો છે કે મંત્રીએ ચોક્કસ ધાર્મિક સમુદાય તરફ પક્ષપાત દાખવ્યો છે. તે જ રીતે હિન્દુ ઐક્ય વેદીના પ્રમુખ આર.વી. બાબુએ પણ આ નિમણૂકની સખત ટીકા કરતા તેને લઘુમતી સમુદાય પ્રત્યેની "પ્રાધાન્યપૂર્ણ સારવાર" ગણાવી છે, જ્યારે મંત્રી અનિલ કુમારે બચાવમાં જણાવ્યું હતું કે લોકો ભલામણ કરે તે સ્વાભાવિક છે પરંતુ આખરી નિર્ણય ઉમેદવારની યોગ્યતા અને કાર્યક્ષમતાના મૂલ્યાંકન બાદ જ લેવાયો હતો.
રાજકારણમાં ધાર્મિક સંગઠનોના હસ્તક્ષેપ અંગે સીએમ વી.ડી. સતીસન ભૂતકાળમાં અને વિપક્ષના નેતા તરીકે નાયર સર્વિસ સોસાયટી (NSS) તેમજ SNDP જેવા સંગઠનોની "દબાણ લાદવાની પ્રવૃત્તિઓ" ની આકરી ટીકા કરી ચૂક્યા છે. પરંતુ હવે ખુદ તેમની જ સરકારના મંત્રીના સ્ટાફમાં ચર્ચની ભલામણથી થયેલી નિમણૂક સામે આવતા સતીસનની સૈદ્ધાંતિક છબી અને સરકારના વલણ પર ગંભીર સવાલો ઊભા થયા છે. આગામી સમયમાં આ મુદ્દે વિપક્ષ અને કાનૂની સંસ્થાઓ દ્વારા સરકાર સામે વધુ સખત રાજકીય અને ન્યાયિક ઘેરાબંધી કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
