<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

નંદીગ્રામ પેટાચૂંટણીમાં રાજકીય ગરમાવો: કૉંગ્રેસ ઉમેદવાર મિલન પ્રધાનની અટકાયત સામે વિરોધનો વંટાળ, 'જીવ જશે પણ ઉમેદવારી પાછી નહીં ખેંચાય' તેમ કહી એઆઈસીસી જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલે ભાજપ સરકાર સામે રાષ્ટ્રીય સ્તરે આંદોલન છેડવાની કરી ચીમકી

​૧૫ વર્ષ જૂના જૂના આંદોલનના કેસમાં પોલીસ કાર્યવાહીને કૉંગ્રેસે લોકશાહીની હત્યા ગણાવી; ચૂંટણી પંચની મૌન ભૂમિકા સામે સવાલો ઉઠાવી સમગ્ર મામલો દેશભરમાં ગૂંજવવાની વ્યૂહરચના ઘડી

​નવી દિલ્હી / તિરૂવનંતપુરમ પશ્ચિમ બંગાળની હાઇપ્રોફાઇલ નંદીગ્રામ વિધાનસભા બેઠકની આગામી પેટાચૂંટણી પૂર્વે જ રાજકીય વાતાવરણ ચરમસીમાએ પહોંચી ગયું છે. નંદીગ્રામના કૉંગ્રેસ ઉમેદવાર મિલન પ્રધાનની પોલીસે કરેલી ધરપકડ અને અટકાયતના વિરોધમાં કૉંગ્રેસ હાઇકમાન્ડે આક્રમક વલણ અપનાવ્યું છે. ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી (AICC)ના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલે સ્પષ્ટ અને આકરા શબ્દોમાં જાહેરાત કરી છે કે, કૉંગ્રેસ પક્ષ કોઈ પણ સંજોગોમાં નંદીગ્રામ બેઠક પરથી પોતાના ઉમેદવાર પાછા ખેંચશે નહીં. ઉમેદવાર પર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો સનસનાટીભર્યો આરોપ મૂકતાં તેમણે આ સમગ્ર ઘટનાક્રમને રાષ્ટ્રીય સ્તરે ઉપાડવાની અને ભાજપ સરકારની સરમુખત્યારશાહી સામે દેશવ્યાપી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.

​મળતી વિગતો મુજબ, વર્ષ ૨૦૦૭ના ઐતિહાસિક નંદીગ્રામ જમીન સંપાદન આંદોલન સાથે જોડાયેલા એક અતિ જૂના કેસનો સંદર્ભ આપીને કૉંગ્રેસી ઉમેદવાર મિલન પ્રધાનની અચાનક ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નંદીગ્રામ પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવારને પોતાનો સાથ-સહકાર આપવાની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા આ નાટ્યાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. કૉંગ્રેસના સ્થાનિક અને રાજ્ય સ્તરના નેતાઓ જ્યારે આ અંગે પૂછપરછ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉમેદવાર સામે હાલમાં કોઈ નવી ગંભીર વાસ્તવિક ફરિયાદો નથી અને તેમની માત્ર અસ્થાયી અટકાયત કરવામાં આવી છે.

​પત્રકારો સાથેની વાતચીતમાં કે. સી. વેણુગોપાલે પોલીસ તંત્ર અને શાસક પક્ષ પર તીખા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કૉંગ્રેસ ઉમેદવારને તમામ કેસોમાંથી મુક્તિ અપાવવાની અને વિવિધ લાલચો આપવાની શરતે ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે પોલીસ દ્વારા જબરદસ્ત માનસિક અને રાજકીય દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું દેશમાં આ જ પ્રકારની લોકશાહી બાકી રહી છે? ૧૫ વર્ષ જૂના બંધ થઈ ચૂકેલા પ્રકરણોને અચાનક બહાર કાઢીને ઉમેદવારને ચૂંટણી પ્રચારથી વંચિત રાખવાનો આ એક સુનિયોજિત રાજકીય કારસો છે.

​આ સાથે જ તેમણે ચૂંટણી પંચની નિષ્ક્રિયતા સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, નામાંકન પત્ર (નોમિનેશન) દાખલ થઈ ગયા પછી પણ જો ઉમેદવારને સ્વતંત્ર રીતે પ્રચાર ન કરવા દેવાય અને તેમની અટકાયત કરી લેવાય, છતાં ચૂંટણી પંચ મૌન પ્રેક્ષક બનીને તમાશો જુએ તે અત્યંત ગંભીર બાબત છે.

​વેણુગોપાલે ઉમેર્યું હતું કે કૉંગ્રેસ નેતૃત્વએ ઉમેદવાર મિલન પ્રધાન અને તેમના પરિવારજનો સાથે સીધી વાતચીત કરી છે. ઉમેદવારે પોતે મક્કમ મનોબળ દર્શાવતા સ્પષ્ટ કર્યું છે કે 'ભલે મારો જીવ ચાલી જાય, પણ હું લડાઈમાંથી પીછેહઠ નહીં કરું.' કૉંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકર્તા જમીની સ્તરે ઉતરીને મિલન પ્રધાનના સમર્થનમાં જોરશોરથી પ્રચાર કરશે અને ભાજપના આ કથિત ફાસીવાદી વલણ સામે દેશભરમાં અવાજ ઉઠાવવામાં આવશે.

(5:50 PM IST)