<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરમાં રાજકીય ગરમાવો: સાંસદ મહુઆ મોઇત્રાની ઓફિસ પર હુમલો, પોલીસની નિષ્ક્રિયતા સામે ઉઠ્યા સવાલો

​ભાજપના કાર્યકરો દ્વારા ઓફિસ પર ઈંડા અને શાકભાજી ફેંકવાનો આરોપ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં રાજ્યના રાજકારણમાં ખળભળાટ

​કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકીય માહોલમાં ફરી એકવાર સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઇત્રાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, કૃષ્ણનગર ખાતે આવેલી તેમની ઓફિસ પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો છે. સાંસદના દાવા મુજબ, ભાજપના ટોળાએ તેમની ઓફિસ પર ઈંડા અને શાકભાજી ફેંક્યા હતા.

​આ ઘટના અંગે મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક વીડિયો શેર કરીને તંત્રની કામગીરી પર આકરા પ્રહાર કર્યા છે. વીડિયોમાં દેખાઈ રહેલી ભીડ દ્વારા તેમની ઓફિસ પર ચીજવસ્તુઓ ફેંકવામાં આવી રહી છે. સાંસદે આરોપ લગાવ્યો છે કે, આ આખી ઘટના દરમિયાન ત્યાં હાજર રહેલી પશ્ચિમ બંગાળ પોલીસ માત્ર મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતી રહી હતી.

​મહુઆ મોઇત્રાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "હું છેલ્લા એક કલાકથી અહીં હાજર છું અને ભાજપના ગુંડાઓ સતત હુમલો કરી રહ્યા છે. મેં આ અંગે રાજ્યના ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને ફોન કર્યા હતા, પરંતુ પોલીસની કોઈ નક્કર કાર્યવાહી જોવા મળી નથી." તેમણે આક્રોશ વ્યક્ત કરતા વધુમાં કહ્યું કે, "આ મારો વિસ્તાર છે અને હું અહીંની સાંસદ છું. હું મારી ઓફિસમાંથી ક્યાંય જવાની નથી. ઘટનાસ્થળે પોલીસની સાથે સીઆરપીએફના જવાનો પણ હાજર હતા, છતાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર રહી."

​સાંસદે આશંકા વ્યક્ત કરી હતી કે, રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી શકે છે અને કદાચ કોઈ એફઆઈઆર પણ નોંધવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના એક દિવસ પહેલા જ કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને આદેશ આપ્યો હતો કે રાજકીય વિરોધીઓ પર ઈંડા ફેંકવાની ઘટનાઓમાં પોલીસ ત્વરિત એફઆઈઆર નોંધીને કાયદેસરની કાર્યવાહી સુનિશ્ચિત કરે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય વર્તુળોમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે.

(5:06 PM IST)