<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

કોલકાતામાં રાજકીય ગરમાવો: મમતા બેનર્જીના નિવાસસ્થાન બહાર સુરક્ષા દળોનો કાફલો ખડકાતા તૃણમૂલ કોંગ્રેસના આકરા પ્રહાર

​બારુઈપુરમાં 11 વર્ષીય બાળકી સાથેની દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનની શક્યતાને પગલે પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક સુરક્ષા વ્યવસ્થાને પગલે તૃણમૂલે 'હાઉસ અરેસ્ટ'નો લગાવ્યો ગંભીર આરોપ

​કોલકાતા: પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગના જિલ્લાના બારુઈપુરમાં એક 11 વર્ષીય બાળકીની ક્રૂર હત્યા અને દુષ્કર્મની ઘટનાએ રાજ્યના રાજકારણને હચમચાવી દીધું છે. આ ગંભીર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે હવે રાજધાની કોલકાતામાં પણ તણાવ જોવા મળી રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાનની બહાર સોમવારે સવારથી જ ભારે પોલીસ બળ અને કેન્દ્રીય સુરક્ષા દળોનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

​આ અચાનક થયેલી સુરક્ષા વ્યવસ્થાને લઈને તૃણમૂલ કોંગ્રેસે આકરા તેવર અપનાવ્યા છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે આ સુરક્ષા વ્યવસ્થા નથી, પરંતુ મમતા બેનર્જીને એક પ્રકારના 'હાઉસ અરેસ્ટ'માં રાખવાનો પ્રયાસ છે. તૃણમૂલના વરિષ્ઠ નેતાઓ ડેરેક ઓ બ્રાયન અને કુણાલ ઘોષે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, મમતા બેનર્જી પીડિત પરિવારને મળવા માટે બારુઈપુર જવા માંગતા હતા, પરંતુ તેમને રોકવા માટે જ તેમના ઘરની બહાર બેરિકેડ્સ મૂકીને મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.

​બીજી તરફ, મમતા બેનર્જીએ પોતે પણ આ સ્થિતિને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો છે કે તેમના ઘરની આસપાસ જે રીતે સુરક્ષા દળોની હિલચાલ વધી છે, તે હાઉસ અરેસ્ટ જેવું જ છે. જોકે, વહીવટીતંત્ર કે પોલીસ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

​આ સમગ્ર મામલે રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્ય સરકારના મંત્રી દિલીપ ઘોષે જણાવ્યું હતું કે, મમતા બેનર્જીને 'ઝેડ-પ્લસ' શ્રેણીની સુરક્ષા પ્રાપ્ત છે, તેથી તેમના નિવાસસ્થાન બહાર સુરક્ષા દળોની હાજરી એ કોઈ નવી વાત નથી કે કોઈ 'ડ્રામા' નથી, પરંતુ તે સુરક્ષા પ્રોટોકોલનો એક ભાગ છે.


​ઉલ્લેખનીય છે કે, બારુઈપુરના સૂર્યપુર હાટ વિસ્તારમાં રવિવારે એક 11 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવતા ભારે આક્રોશ ફેલાયો હતો. બાળકી આગલા દિવસે ગુમ થઈ હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ રસ્તાઓ પર ટાયર સળગાવીને તોડફોડ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં એક શંકાસ્પદ વ્યક્તિનું પણ ટોળા દ્વારા મોત થયું હતું. આ પ્રકરણમાં પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને તપાસ ચાલી રહી છે. હાલ સમગ્ર વિસ્તારમાં અને મમતા બેનર્જીના ઘરની આસપાસની સ્થિતિ અત્યંત તંગ છે.

(3:06 PM IST)