<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

દિલ્હીમાં ફરી રાજકીય ગરમાવો : રાહુલ ગાંધીની આગેવાનીમાં ઈન્ડિયા ગઠબંધનનાં સાંસદ એકજુટ થઈ ગાંધી સ્મૃતિ પહોંચ્યા

રાહુલ ગાંધીનાં આવાસ બહાર દિલ્હી પોલીસે બેરિકેડિંગ કરી અને બસને આગળ વધતા અટકાવી:અમુક મિનિટની વાતચીત બાદ પોલીસે રસ્તો ખોલ્યો

સમગ્ર દેશમાં નીટ-યુજી પેપર લીક વિવાદ અંગે રાજકીય પારો વધી ગયો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં ઈન્ડિયા ગઠબંધનનાં સાંસદ એકજુટ થઈને ગાંધી સ્મૃતિ પહોંચ્યા છે. રાહુલ ગાંધી પોતાના સરકારી આવાસથી વિપક્ષી નેતાઓ સાથે એક બસમાં સવાર થઈને નીકળ્યા. આ દરમિયાન કોંગ્રેસ, આરજેડી, સીપીઆઈ (એમ) સહિત ઘણાં વિપક્ષીદળના સાંસદો તેમની સાથે હાજર રહ્યાં. યાત્રા શરૂ થતાં પહેલા અમુક સમય તણાવની સ્થિતિ હતી. રાહુલ ગાંધીનાં આવાસ બહાર દિલ્હી પોલીસે બેરિકેડિંગ કરી હતી અને બસને આગળ વધતા અટકાવી હતી. અમુક મિનિટની વાતચીત બાદ પોલીસે રસ્તો ખોલ્યો હતો. જે પછી વિપક્ષી નેતાઓનો કાફલો ગાંધી સ્મૃતિ માટે રવાના થયો હતો.  

રવાના થતા પહેલા રાહુલ ગાંધી એ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે રસ્તા પર ઉતર્યા છે એવામાં વિપક્ષની પણ ફરજ છે કે તેઓ તેમની સાથે ઉભા રહે. રાહુલ ગાંધી એ કહ્યું કે,‘અમે પહેલા ઈન્ડિયા ગેટ જવા માગતા હતા. પરંતુ અમને તેની મંજૂરી મળી નહીં. જે પછી અમે ગાંધી સ્મૃતિ જવાનો નિર્ણય કર્યો. જ્યાં અમને અમુક સમય અટકાવવામાં આવ્યા. અમે વિદ્યાર્થીઓને કહેવા માગીએ છીએ કે અમે તેમની સાથે છીએ.’

ગાંધી સ્મૃતિ માટે રવાના થતા પહેલા જ વિપક્ષી સાંસદો રાહુલ ગાંધીના ઘરે ભેગા થયા હતા. બેઠકમાં નીટ પેપર લીક મામલે સંસદમાં સરકારને ઘેરવાની રણનીતિ અને વિદ્યાર્થીઓના સમર્થનમાં સંયુક્ત કાર્યક્રમના આયોજનની ચર્ચા કરવામાં આવી હતી. જે પછી તમામ સાંસદો ગાંધી સ્મૃતિ જવા રવાના થયા હતા.

 રાહુલ ગાંધી સાથે બસમાં સવાર સાંસદોમાં શિવસેના યુબીટીનાં અરવિંદ સાવંત, એનસીપી (શરદ પવાર)ની સુપ્રિયા સુલે, ટીએમસીની મહુઆ મોઈત્રા અને સૌગત રાય, ઝારખંડ મુક્તિ મોર્ચાની મહુઆ માંજી, આરજેડીની મીસા ભારતી અને સંજય યાદવ, સીપીએમના જૉન બ્રિટાસ, સીપીઆઈનાં પી.સંતોષ કુમાર, સમાજવાદી પાર્ટીના રામજી લાલ સુમન અને આઈયુએમએલનાં ઈટી મોહમ્મદ બશીર સામેલ છે. 

(9:06 PM IST)