<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

તમિલનાડુમાં 'થલપથી' વિજયનો રાજકીય ધડાકો: ડાબેરી પક્ષો અને VCK ના સમર્થન સાથે TVK એ બહુમતીનો આંકડો વટાવ્યો, અભિનેતામાંથી નેતા બનેલા વિજય ટૂંક સમયમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે

કોંગ્રેસ અને ડાબેરીઓના ટેકાથી વિજયની નૈયા પાર: રાજભવનમાં સરકાર રચવાનો દાવો રજૂ કરવાની તૈયારી, ભાજપે તટસ્થ રહેવાનો નિર્ણય લેતા રાજ્યમાં દ્રવિડિયન પક્ષોના દાયકાઓ જૂના વર્ચસ્વનો અંત આવવાના એંધાણ

ચેન્નાઈ: તા.૦૮ તમિલનાડુના રાજકારણમાં આજે એક નવો ઇતિહાસ રચાયો છે. લોકપ્રિય અભિનેતા વિજયની પાર્ટી 'તમિલગા વેટ્ટરી કઝગમ' (TVK) એ રાજ્યમાં સરકાર રચવા માટે જરૂરી જાદુઈ આંકડો હાંસલ કરી લીધો છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI) અને સીપીઆઈ-એમ (CPM) એ વિજયને બહારથી બિનશરતી ટેકો જાહેર કરતા હવે વિજય માટે મુખ્યમંત્રી બનવાનો માર્ગ સાફ થઈ ગયો છે. વિજય ટૂંક સમયમાં જ તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને મળીને સરકાર રચવાનો દાવો રજૂ કરશે.
તમિલનાડુની ૨૩૪ સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે ૧૧૮ ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. વિજયની પોતાની પાર્ટી TVK પાસે ૧૦૭ ધારાસભ્યો છે. કોંગ્રેસના ૫ ધારાસભ્યો, ડાબેરી પક્ષોના ૪ (CPI અને CPM) અને VCK ના ૨ ધારાસભ્યોના ટેકા સાથે વિજયના પક્ષે ૧૧૮ નો આંકડો પૂર્ણ કરી લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ પણ આ ગઠબંધન માટે મહત્વની ભૂમિકા ભજવી છે.
બીજી તરફ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ નૈનાર નાગેન્દ્રને સ્પષ્ટ કર્યું છે કે જનતાએ તેમને સરકાર રચવાનો જનાદેશ આપ્યો નથી, તેથી તેઓ સરકાર રચવાના કોઈ પણ પ્રયાસમાં સામેલ થશે નહીં કે કોઈ પણ પક્ષની તરફેણમાં મતદાન કરશે નહીં. ભાજપના આ વલણથી AIADMK અને DMK વચ્ચેના સમીકરણો પણ બદલાઈ રહ્યા છે. જોકે, વરિષ્ઠ રાજકારણીઓએ રાજ્યપાલને વિનંતી કરી છે કે હવે બહુમતી સ્પષ્ટ હોવાથી વિજયને સરકાર રચવા માટે જરા પણ વિલંબ કર્યા વિના આમંત્રણ આપવું જોઈએ.
દાયકાઓથી તમિલનાડુના રાજકારણ પર કબજો જમાવી બેઠેલા DMK અને AIADMK જેવા દિગ્ગજ પક્ષો વચ્ચે 'થલપથી' વિજયે જે રીતે પોતાની જગ્યા બનાવી છે, તે જોતા દક્ષિણ ભારતના રાજકારણમાં એક મોટા પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. જો બધું યોજના મુજબ ચાલશે, તો વિજય તમિલનાડુના રાજકીય ઇતિહાસમાં સૌથી પ્રભાવશાળી 'સ્ટાર મુખ્યમંત્રી' તરીકે ઉભરી આવશે. સંભવિત છે કે શુક્રવાર સાંજ સુધીમાં વિજયને સરકાર બનાવવા માટે સત્તાવાર આમંત્રણ મળી જાય.

(4:44 PM IST)