<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

પંજાબમાં રાજકીય સમીકરણો બદલાયાં : છ વર્ષ બાદ ભાજપ અને શિરોમણિ અકાલી દળ ફરી એક થયા

અમિતભાઈએ ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી: ગુરુ નાનક જયંતીના પાવન દિવસે ભાજપ-અકાલી દળનું પુનઃમિલન : નીતિન નવીન અને સુખબીર સિંહ બાદલની ઉપસ્થિતિમાં પંજાબ વિધાનસભાની ચૂંટણી સાથે લડવાનો નિર્ણય

નવી દિલ્હી તા. ૨૪ : પંજાબમાં વર્ષ ૨૦૨૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે આજે મહત્ત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ સર્જાયો છે. ભારતીય જનતા પાર્ટી અને શિરોમણિ અકાલી દળ છ વર્ષ બાદ ફરી એક થયા છે. આજે બપોરે નવી દિલ્હી ખાતે ભાજપના મુખ્યાલયમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલની સંયુક્ત પત્રકાર પરિષદમાં ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. 

અમિત શાહે જણાવ્યું હતું કે અકાલી દળના પુનરાગમનથી એનડીએ પૂર્ણ થયું છે. પંજાબને નશામુક્ત બનાવવા માટે બંને પક્ષો વચ્ચે વિસ્તૃત ચર્ચા બાદ કાર્યયોજના તૈયાર કરવામાં આવી છે. સુખબીર સિંહ બાદલે આ ગઠબંધનને માત્ર રાજકીય નહીં, પરંતુ લાગણીનો સંબંધ ગણાવ્યો હતો.

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં સપ્ટેમ્બર ૨૦૨૦માં અકાલી દળે ભાજપ સાથે છેડો ફાડ્યો હતો. તત્કાલીન કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે પણ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ બંને પક્ષોએ વર્ષ ૨૦૨૨ની વિધાનસભા અને વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી અલગ-અલગ લડી હતી.

પંજાબની ૧૧૭ વિધાનસભા બેઠકોમાંથી અગાઉ અકાલી દળ ૯૪ અને ભાજપ ૨૩ બેઠકો પર ચૂંટણી લડતા હતા. વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપને બે અને અકાલી દળને ત્રણ બેઠકો મળી હતી. હવે નવા ગઠબંધનમાં બેઠક વહેંચણી કેવી રહેશે તેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. આ ગઠબંધન બાદ સત્તારૂઢ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની ચૂંટણી રણનીતિ ઉપર પણ સૌની નજર રહેશે. 

(1:57 PM IST)