<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

બંગાળમાં રાજકીય ભૂકંપ: ટીએમસીના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રીનો પાર્ટી ઓફિસમાંથી રહસ્યમય હાલતમાં મળ્યો મૃતદેહ

પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને મમતા બેનર્જીના અત્યંત નજીકના ગણાતા નેતાના શંકાસ્પદ મોતે રાજકારણમાં મચાવી દીધી સનસનાટી

રામપુરહાટ: પશ્ચિમ બંગાળના રામપુરહાટમાં રવિવારે સવારે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આશિષ બેનર્જીનો શંકાસ્પદ સંજોગોમાં પાર્ટી ઓફિસમાંથી લટકતો મૃતદેહ મળી આવતા સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નિવાસસ્થાન નજીક આવેલી જ પાર્ટી ઓફિસમાં આ ઘટના બનતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

આશિષ બેનર્જી રામપુરહાટના વોર્ડ નંબર ૫ ના હટ્ટલપારા વિસ્તારમાં રહેતા હતા અને રવિવારે સવારે તેમનો મૃતદેહ ઘર નજીકની પાર્ટી ઓફિસમાં શંકાસ્પદ હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સમર્થકો અને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને અધિકારીઓના જણાવ્યા મુજબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. હાલ પોલીસ તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને ગંભીરતાથી તપાસ કરી રહી છે.

મૃતક આશિષ બેનર્જી પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મજબૂત અને પ્રભાવશાળી ચહેરો હતા. તેઓ ૨૦૦૧, ૨૦૦૬, ૨૦૧૧, ૨૦૧૬ અને ૨૦૨૧માં સતત પાંચ વખત રામપુરહાટ બેઠક પરથી ધારાસભ્ય તરીકે વિજયી બન્યા હતા. મમતા બેનર્જીની સરકારમાં તેમણે શાળા શિક્ષણ, કૃષિ વિભાગ જેવા મહત્વના ખાતા સંભાળવાની સાથે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે પણ જવાબદારી નિભાવી હતી. પાર્ટીમાં તેઓ મુખ્યમંત્રી મમતા બેનર્જીના અત્યંત વિશ્વાસુ અને નિકટના નેતા ગણાતા હતા.

૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે પરાજયનો સામનો કર્યા બાદ તેમના રાજકીય ભવિષ્યને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે આ ચૂંટણી હાર અને આકસ્મિક મોત વચ્ચે કોઈ સીધો સંબંધ છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસ તપાસ અને ફોરેન્સિક રિપોર્ટના અંતે જ આ રહસ્યમય મોત પાછળનું સાચું સત્ય બહાર આવશે.

(10:24 AM IST)