<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

અમેરિકામાં રાજકીય ભૂકંપ: FBI દ્વારા ૨૦૨૦ની ચૂંટણીની તપાસ મુદ્દે કાશ પટેલ અને ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ સામસામે

પક્ષપાતી હિતો માટે સરકારી સંસાધનોનો દુરુપયોગ કરવાનો કોંગ્રેસમેનનો સનસનાટીભર્યો આક્ષેપ; જ્યોર્જિયામાં ૨૬૦ વિશ્લેષકો તૈનાત કરવાના આદેશથી હોબાળો

વોશિંગ્ટન, તા.૦૩: અમેરિકાના રાજકારણમાં અને કાયદા અમલીકરણ ક્ષેત્રે એક નવો અને મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. વર્ષ ૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણીની જ્યોર્જિયાના ફુલ્ટન કાઉન્ટીમાં નવેસરથી થઈ રહેલી તપાસને લઈને ભારતીય મૂળના બે દિગ્ગજો આમને-સામને આવી ગયા છે. ઇલિનોઇસના ૮મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટના લોકપ્રિય ડેમોક્રેટિક સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ એફબીઆઈ (FBI) ના ડિરેક્ટર કાશ પટેલના એક વિવાદાસ્પદ નિર્ણયની આકરા શબ્દોમાં ટીકા કરી છે. કાશ પટેલે સેંકડો ઇન્ટેલિજન્સ વિશ્લેષકોને આ જૂની તપાસ પાછળ લગાડી દેતાં, કૃષ્ણમૂર્તિએ આ કાર્યવાહીના કાનૂની આધાર અને અવકાશ અંગે સત્તાવાર ખુલાસો માંગ્યો છે.
કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આક્રોશ વ્યક્ત કરતા લખ્યું કે, "એફબીઆઈ (FBI) નું અસ્તિત્વ અમેરિકન નાગરિકોની સુરક્ષા અને કાયદાનું શાસન જાળવી રાખવા માટે છે. તે દેશના રાષ્ટ્રપતિની વ્યક્તિગત કે રાજકીય ફરિયાદોને સંતોષવા માટે કરદાતાઓના પૈસાથી ચાલતી કોઈ વિપક્ષી સંશોધન પેઢી (Research Firm) નથી." તેમણે ઉમેર્યું કે, ભૂતકાળની ચૂંટણીને લગતા પાયાવિહોણા 'કાવતરાના સિદ્ધાંતો' (Conspiracy Theories) ની પાછળ સેંકડો સરકારી કર્મચારીઓને કામે લગાડવા, તે પક્ષપાતી હેતુઓ માટે બ્યુરોના સંસાધનોનો ઘોર દુરુપયોગ છે.
૨૬૦ વિશ્લેષકો અને ઓવરટાઇમ કામ કરવાનો આદેશ
મીડિયા અહેવાલો અને કાનૂની દસ્તાવેજો અનુસાર, એફબીઆઈ ડિરેક્ટર કાશ પટેલે તમામ મોટી અને નાની ફિલ્ડ ઓફિસોને આદેશ આપીને કુલ ૨૬૦ ઇન્ટેલિજન્સ વિશ્લેષકોને એટલાન્ટા મોકલવાનો આદેશ આપ્યો છે. આ વિશ્લેષકોને આગામી ૧૭ જુલાઈ સુધીમાં અંદાજે ૭૦૮ રેકોર્ડની સઘન તપાસ પૂર્ણ કરવાનું અતિ-મુશ્કેલ લક્ષ્યાંક આપવામાં આવ્યું છે. આ સમયમર્યાદા પૂરી કરવા માટે વિશ્લેષકોને વીકએન્ડ (શનિ-રવિ) અને જાહેર રજાઓના દિવસોમાં પણ ઓવરટાઇમ કામ કરવાની વિશેષ મંજૂરી આપવામાં આવી છે, જેનાથી સમગ્ર વહીવટી તંત્રમાં ભારે તણાવ છે.
શું છે આ વિવાદનું મૂળ?
આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં એફબીઆઈએ એટર્ની કર્ટ ઓલ્સનની ભલામણ પર ફુલ્ટન કાઉન્ટીમાંથી ભૌતિક મતપત્રો, બેલેટ ઈમેજીસ, મતદાતાઓની યાદી અને વોટિંગ મશીનની ટેપ સહિત ચૂંટણી સામગ્રીના ૬૦૦થી વધુ બોક્સ જપ્ત કર્યા હતા. આ સામગ્રીની તપાસને હવે 'ટોચની પ્રાથમિકતા' આપવામાં આવી છે. સાંસદ કૃષ્ણમૂર્તિએ ચિંતા વ્યક્ત કરી છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર પોતાની સત્તા અને કાયદાનો ઉપયોગ કરીને ચૂંટણી પ્રક્રિયા પર વધુ ફેડરલ નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેનાથી સામાન્ય અમેરિકન પ્રજાએ સતર્ક થવાની જરૂર છે. તેમણે સંસદ અને જનતા સમક્ષ આ તપાસ પાછળ વપરાતા જાહેર નાણાંનો હિસાબ આપવા માંગ કરી છે.

(5:31 PM IST)