<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

રાજકારણ કે નાટક?: દિલ્હીના સીએમ રેખા ગુપ્તાને ૧૦૮ કુંડી યજ્ઞમાં આહુતિ આપતા જોઈને 'કોકરોચ જનતા પાર્ટી' ના સહ-સંયોજક સૌરભ દાસ લાલચોળ

વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે ખાટુ શ્યામ ધામમાં યોજાયેલા મહાયજ્ઞ પર તીખો કટાક્ષ: 'શિક્ષણનું બજેટ અડધું કરીને નાગરિકોને વિચારહીન બનાવવાનું ષડયંત્ર' હોવાનો ગંભીર આરોપ

નવી દિલ્હી, તા.૧૭: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દિલ્હીના સીએમ રેખા ગુપ્તા દ્વારા આયોજિત '૧૦૮ કુંડી મહાયજ્ઞ' ને લઈને દિલ્હીના રાજકારણમાં નવો ગરમાવો આવી ગયો છે. દિલ્હીના ખાટુ શ્યામ ધામ ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં સીએમ રેખા ગુપ્તાએ હાજરી આપીને વડાપ્રધાનના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે આહુતિ આપી હતી. જોકે, આ ધાર્મિક ઉજવણી પર 'કોકરોચ જનતા પાર્ટી' ના સહ-સંયોજક સૌરભ દાસે આકરા પ્રહારો કર્યા છે અને મુખ્યમંત્રીની આવી પ્રવૃત્તિઓને "રાજકીય નાટક" ગણાવીને તીખા સવાલો ઉઠાવ્યા છે.

 

સૌરભ દાસે સીએમ રેખા ગુપ્તાનો યજ્ઞ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતાં પૂછ્યું હતું કે, "શું જનતાએ આ લોકોને આવા નાટક કરવા માટે ચૂંટ્યા છે? થોડા સમય પહેલા સત્ય નિકેતનમાં બનેલી પીજી દુર્ઘટનામાં સાત નિર્દોષ વિદ્યાર્થીઓ અને લોકોએ જીવ ગુમાવ્યા હતા, શું તે પીડિત પરિવારોની આત્માની શાંતિ માટે મુખ્યમંત્રીએ આવો કોઈ હવન યોજ્યો હતો?" તેમણે વધુમાં ઉમેર્યું કે, શાસકો દેશને 'વિકસિત ભારત' બનાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે અને હવે જનતાનું ધ્યાન ભટકાવવા માટે આવા ધાર્મિક તિકડમ અજમાવી રહ્યા છે.

 

આટલેથી ન અટકતાં સૌરભ દાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આરતી કરતો વિડીયો પણ શેર કર્યો હતો. તેમણે દેશના શિક્ષણ બજેટ પર ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, "સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં શિક્ષણ પરનો ખર્ચ અડધો કરી નાખ્યો છે, જેથી દેશના નાગરિકો અતાર્કિક અને વિચારહીન બની જાય અને તેમને સરળતાથી નિયંત્રિત કરી શકાય." તેમણે વારાણસીથી વડનગર સુધી નીકળનારી 'સેવા સંકલ્પ યાત્રા' ની ૫૦૦ બાઇકોની રેલી પર પણ કટાક્ષ કરતા કહ્યું કે આ બાઇકો રાજકીય રેલીઓના બદલે દેશની ગરીબ અને આદિવાસી શાળાઓ સુધી પહોંચાડવી જોઈએ.

(5:24 PM IST)