<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

થાણાં હવે વાહનોના તબેલા નહીં રહે! પંજાબ પોલીસની અત્યાર સુધીની સૌથી મોટી 'મેગા ક્લીન-અપ' ડ્રાઇવ: એક જ મહિનામાં ૭,૪૦૨ જપ્ત વાહનોનો સ્ક્રૅપ અને હરાજી દ્વારા નિકાલ

હાઈકોર્ટની ફટકાર બાદ સફાળી જાગેલી પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન ચલાવ્યું; કરોડોની કિંમતના બિનવારસી વાહનોનો ખડકલો દૂર થતાં પોલીસ સ્ટેશનોએ લીધો હાશકારો

ચંદીગઢ,: પંજાબના પોલીસ સ્ટેશનોના કમ્પાઉન્ડમાં વર્ષોથી ધૂળ ખાઈ રહેલા અને ભંગારમાં ફેરવાઈ ગયેલા હજારો વાહનોના કારણે ઉભરાતી જગ્યાની ગંભીર સમસ્યાનો આખરે કાયમી ઉકેલ આવી ગયો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની કડક સૂચના અને માર્ગદર્શિકા બાદ, પંજાબ પોલીસે એક અભૂતપૂર્વ રાજ્યવ્યાપી ખાસ ઝુંબેશ ચલાવીને માત્ર એક જ મહિનાની અંદર અદાલતી પ્રક્રિયા હેઠળ જપ્ત કરાયેલા રેકોર્ડબ્રેક ૭,૪૦૨ વાહનોનો કાયદેસર રીતે નિકાલ કરી દીધો છે. આ મેગા ડ્રાઇવના કારણે હવે થાણાં પરિસરો વર્ષો પછી ખુલ્લા અને સ્વચ્છ દેખાવા લાગ્યા છે.
તપાસમાં નવા ૩ હજાર વાહનો ઉમેરાયા, છતાં પોલીસે સ્પીડ બતાવી
આ ઐતિહાસિક સફાઈ અભિયાન શરૂ થયું તે પહેલા પંજાબ પોલીસ પાસે અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલા કુલ ૫૫,૭૨૧ વાહનો પડ્યા હતા. આ જ ગાળામાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ ચાલી રહેલી તપાસ દરમિયાન પોલીસે બીજા ૩,૩૫૫ વાહનો જપ્ત કર્યા હતા, જેથી કુલ આંકડો ૫૯,૦૭૬ પર પહોંચ્યો હતો. જોકે, પોલીસે કાનૂની ગૂંચવણો ઉકેલીને વીજળીક વેગે ૭,૪૦૨ વાહનોનો નિકાલ કરી નાખતા હવે પોલીસ કસ્ટડીમાં વાહનોની સંખ્યા ઘટીને ૫૧,૬૭૪ થઈ ગઈ છે. પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, "અમે ગુનેગારો સામે કડક કાર્યવાહીની સાથે-સાથે આ જપ્ત વાહનોના કેસોનો પ્રોફેશનલ ફોલો-અપ કરીને આ સફળતા મેળવી છે."
કયા જિલ્લામાં કેટલા વાહનોના કબાડામાંથી મુક્તિ મળી?
પંજાબના વિવિધ જિલ્લાઓ અને પોલીસ કમિશનરેટમાં આ ઝુંબેશ આક્રમક રીતે ચલાવવામાં આવી હતી:
•    જલંધર કમિશનરેટ: કસ્ટડીમાં રહેલા ૫,૯૯૩ વાહનોમાંથી સૌથી વધુ ૭૭૯ વાહનોનો નિકાલ કરાયો.
•    મોગા અને ભટિંડા: મોગા પોલીસે ૬૯૭ અને ભટિંડા પોલીસે ૬૩૧ વાહનોનો નિકાલ કર્યો.
•    ફિરોઝપુર અને લુધિયાણા: ફિરોઝપુરે ૫૮૬, લુધિયાણા ગ્રામીણ પોલીસે ૫૩૮ અને લુધિયાણા કમિશનરેટે ૪૬૦ વાહનો પર પ્રક્રિયા પૂર્ણ કરી.
•    તરનતારન અને ફાઝિલ્કા: તરનતારનમાં ૩૦૨ અને ફાઝિલ્કા પોલીસે ૨૮૩ વાહનોનો નિકાલ કરીને થાણાં ખાલી કર્યા હતા.
હજી હજારો વાહનો લાઈનમાં: પંજાબના ખાસ ડીજીપી (કાયદો અને વ્યવસ્થા) પ્રવીણ કુમાર સિંહાએ જણાવ્યું કે, પંજાબ પોલીસ માત્ર કાયદો જાળવવામાં જ નહીં, પણ કાનૂની પ્રક્રિયાઓ ઝડપી બનાવવામાં પણ આગળ છે. હાલમાં ૮,૧૨૧ વાહનોની અરજીઓ કાનૂની તપાસ હેઠળ છે, જ્યારે ડ્રગ્સના કેસ (NDPS એક્ટની કલમ 52A) હેઠળ જપ્ત કરાયેલા અન્ય ૧,૨૭૬ વાહનોની ઇન્વેન્ટરી અને ફોટોગ્રાફીના કાયદાકીય વેરિફિકેશનની પ્રક્રિયા પેન્ડિંગ છે.
આગામી મહિનાઓમાં તમામ પોલીસ સ્ટેશનો 'વાહન મુક્ત' બનશે
વર્ષોથી અકસ્માત, ચોરી અથવા ગુનાહિત પ્રવૃત્તિઓમાં પકડાયેલા આ વાહનો કાયદાકીય ગૂંચવણોના કારણે પોલીસ સ્ટેશનોમાં સડતા રહેતા હતા, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ અને ગંદકી ફેલાતી હતી. હવે પંજાબ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ દાવો કર્યો છે કે, આગામી મહિનાઓમાં બાકી બચેલા તમામ વાહનો માટે કોર્ટમાંથી સમયબદ્ધ મંજૂરી મેળવીને તેમને મુક્ત કરવાની અથવા હરાજી કરવાની પ્રક્રિયા વધુ તેજ કરવામાં આવશે, જેથી સરકારી મિલકતનું નુકસાન અટકે અને પોલીસ મથકો સુંદર બને.

(8:38 PM IST)