તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 25th April 2026
ગાઝીપુર કાંડમાં રાહુલ ગાંધીના દાવા પર પોલીસનો વળતો પ્રહાર: 'બળાત્કારના આરોપો પાયાવિહોણા અને ભ્રામક', જાણો શું છે સત્ય?
પોલીસે ફેક્ટ-ચેક જાહેર કરી કોંગ્રેસ નેતાને સંભળાવ્યું: આત્મહત્યાને બળાત્કારમાં ખપાવવાના પ્રયાસો સામે સોશિયલ મીડિયા પર પુરાવા સાથે ખુલાસો

ગાઝીપુર : ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં બનેલી એક દુખદ ઘટનાએ હવે રાજકીય યુદ્ધનું સ્વરૂપ ધારણ કર્યું છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ ઘટનાને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા, જેના જવાબમાં ગાઝીપુર પોલીસે સોશિયલ મીડિયા પર તથ્યો રજૂ કરીને તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. પોલીસે રાહુલ ગાંધીની પોસ્ટને "ભ્રામક" ગણાવીને જવાબદાર હોદ્દા પર બેઠેલી વ્યક્તિને ચકાસણી વિના માહિતી ન ફેલાવવા અપીલ કરી છે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ગાઝીપુરમાં વિશ્વકર્મા સમુદાયની એક સગીર બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવામાં આવી છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે પીડિત પરિવારને FIR નોંધાવતા રોકવામાં આવ્યો અને ધમકીઓ આપવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે ગુનેગારોને રક્ષણ આપવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસના સત્તાવાર નિવેદને આ આખી વાતને અલગ વળાંક આપ્યો છે.
શું છે પોલીસની હકીકત તપાસ (Fact Check)?
ગાઝીપુર પોલીસે 'X' (અગાઉનું ટ્વિટર) પર સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ૧૫ એપ્રિલ, ૨૦૨૬ના રોજ વહેલી સવારે ૫:૪૪ વાગ્યે ખુદ મૃતકના પિતાએ જ ૧૧૨ નંબર પર ફોન કરીને જાણ કરી હતી કે તેમની પુત્રીએ પુલ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે પુરાવા સાથે જણાવ્યું કે:
• મૃતકના પિતાની ફરિયાદના આધારે નોંધાયેલી FIRમાં ક્યાંય પણ બળાત્કારનો ઉલ્લેખ નથી.
• સૌથી મહત્વની બાબત એ છે કે બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ બળાત્કારના કોઈ પુરાવા મળ્યા નથી.
પોલીસે ચેતવણીના સુરમાં જણાવ્યું છે કે ખોટી અફવાઓ ફેલાવવાથી સામાજિક શાંતિ જોખમાઈ શકે છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં હત્યાના મુખ્ય આરોપી સહિત પથ્થરમારો કરનારા ૧૦ શખ્સોની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની તપાસ તેજ બનાવી છે. રાજકીય નિવેદનબાજી વચ્ચે પોલીસે રજૂ કરેલા આ તથ્યોએ હવે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડી છે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
