<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

મુંબઈના ૧૧ ઑર્કેસ્ટ્રા બાર પર પોલીસનો સપાટો: નિયમોના ઉલ્લંઘન બદલ લાઈસન્સ એક મહિના માટે સસ્પેન્ડ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લાલ આંખ

અશ્લીલતા અને કૂપન દ્વારા ગ્રાહકોને રિઝવવાનો ખેલ: સ્ટિંગ ઓપરેશન બાદ પોલીસની આક્રમક કાર્યવાહી, મુંબઈના પોશ વિસ્તારોના બારની પોલ ખુલી

મુંબઈ : મુંબઈમાં નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર રીતે ચાલતા ઑર્કેસ્ટ્રા બાર સામે પોલીસે લાલ આંખ કરી છે. લાઇસન્સની શરતોનું ગંભીર ઉલ્લંઘન કરવા બદલ મુંબઈના ૧૧ મોટા ઑર્કેસ્ટ્રા બારના લાઈસન્સ આગામી ૩૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર શહેરના બાર માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શું હતી ગેરરીતિઓ?
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બાર્સમાં બારબાળાઓ દ્વારા ગ્રાહકોને રિઝવવા માટે અશ્લીલ હાવભાવ કરવામાં આવતા હતા. તાજેતરમાં એક મીડિયા રિપોર્ટ અને સ્ટિંગ ઓપરેશનમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે બારમાં અસલી નોટોને બદલે ભારતીય ચલણી નોટો જેવી આબેહૂબ દેખાતી નકલી કૂપન્સનો ઉપયોગ બારબાળાઓ પર ઉડાવવા માટે કરવામાં આવતો હતો. આ ગંભીર ઉલ્લંઘન બાદ મુંબઈ પોલીસે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆર નોંધીને કડક કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો.
કયા-કયા બાર પર પડી ગાજ?
ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) રાજતિલક રોશને આપેલી માહિતી મુજબ, જે બારના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારના સેનોરિટા, સફાયર, સનશાઈન પંજાબ, રાજ પેલેસ, અને બ્લ્યુ ડાયમંડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અંધેરીના કમાન્ડો, ઉર્વશી, સાઈપ્રસાદ, જોગેશ્વરીનો વિલાસ લંચ હોમ, મલાડનો સ્વાગતમ અને દહિસરનો ચિરંજીવી બાર પણ પોલીસની કાર્યવાહીની ઝપેટમાં આવ્યા છે.
પોલીસની સ્પષ્ટ ચેતવણી
ડીસીપી રાજતિલક રોશને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ઑર્કેસ્ટ્રા બાર ચલાવવા માટે જે શરતો નક્કી કરવામાં આવી છે, તેનું પાલન કરવું ફરજિયાત છે. જો હવે પછી મુંબઈના કોઈ પણ બારમાં નિયમોનો ભંગ થતો જણાશે, તો તેનું લાઈસન્સ કાયમી ધોરણે રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આ બાબતે આક્રમક વલણ અપનાવ્યું છે અને આગામી દિવસોમાં પણ શહેરભરમાં આવી તપાસ ચાલુ રહેશે તેવું જણાવ્યું છે.

(9:14 PM IST)