News of Monday, 23rd November 2026
પોલીસ ધારે તે કરી શકે..! 19 વર્ષ જૂની તસવીર અને AIની મદદથી 5 વર્ષથી ગુમ મહિલાને 1,104 કિમી દૂરથી શોધી કઢાઈ
સોનભદ્રના કોન્સ્ટેબલ વિજય પાંડેએ ચોથા ધોરણની તસવીર પરથી ChatGPT-Geminiથી બનાવ્યો અત્યારનો ચહેરો, રાજસ્થાનના ચુરુથી મળી મંજૂ ખરવાર - DGPએ આપ્યું 5,000નું ઈનામ

લખનઉ / સોનભદ્ર તા.૨૩ : પોલીસ ધારે તો શું ન કરી શકે, તેનું જીવતું ઉદાહરણ ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લામાં જોવા મળ્યું છે. પાંચ વર્ષથી ગુમ થયેલી એક મહિલાને પોલીસે 19 વર્ષ જૂની બાળપણની તસવીર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી 1,104 કિમી દૂર રાજસ્થાનથી શોધી કાઢી છે.
સોનભદ્ર જિલ્લાના બભની પોલીસ સ્ટેશન વિસ્તારના જૌરાહી ગામની રહેવાસી 30 વર્ષીય મંજૂ ખરવાર લગભગ 5 વર્ષ પહેલા ગુમ થઈ ગઈ હતી.
તેની માતા કિસ્મત દેવીએ તા. 14 જુલાઈના રોજ બભની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગામની જ એક મહિલા લગ્ન કરાવવાના બહાને મંજૂને વારાણસી લઈ ગઈ હતી, ત્યારબાદ તેનો કોઈ પત્તો મળ્યો ન હતો. માતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રાજસ્થાનથી ચાલતા માનવ તસ્કરીના રેકેટમાં મંજૂ ફસાઈ ગઈ હશે.
તપાસમાં પોલીસ સામે સૌથી મોટો પડકાર એ હતો કે, મંજૂનો અત્યારનો એક પણ ફોટો પરિવાર પાસે ન હતો. તે માત્ર ચોથા ધોરણ સુધી જ ભણેલી હતી.
તપાસ દરમિયાન પોલીસને તેની શાળાના 2007ના સ્કોલરશિપ ફોર્મમાંથી એક તસવીર મળી. જેમાં તે ચોથા ધોરણમાં ભણતી વખતની હતી. એ જ એકમાત્ર તસવીર તપાસનો આધાર બની.
બભની પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિજય પાંડેએ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. તેમણે મંજૂની બાળપણની તસવીર સાથે તેના માતા-પિતા અને બહેનની તસવીરો ChatGPT અને Google Gemini માં નાખી.
AI ની મદદથી મંજૂ અત્યારે 30 વર્ષની ઉંમરે કેવી દેખાતી હશે, તેનો સંભવિત ચહેરો તૈયાર કરવામાં આવ્યો. જ્યારે આ તસવીર પરિવારને બતાવવામાં આવી ત્યારે પરિવારે તેને પોતાની દીકરી મંજૂ તરીકે ઓળખી બતાવી.
AIથી બનેલી તસવીર અને બાતમીદારોની માહિતીના આધારે પોલીસને તા. 16 ઓક્ટોબરે માહિતી મળી કે મંજૂ રાજસ્થાનના ચુરુ જિલ્લામાં છે. પોલીસ ટીમે ત્યાં જઈ હમીરવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેને સહી-સલામત શોધી કાઢી.
મંજૂ ત્યાં ઉમેન્દ્ર નામના યુવક સાથે પતિ-પત્ની તરીકે રહેતી હતી અને તેમને બે બાળકો પણ છે.
આ સરાહનીય કામગીરી બદલ ઉત્તરપ્રદેશના DGP રાજીવ કૃષ્ણએ કોન્સ્ટેબલ વિજય પાંડેને 5,000 રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. જ્યારે સોનભદ્રના SP અભિષેક વર્માએ તેમને પ્રશસ્તિપત્ર અને 2,100 રૂપિયા આપી સન્માનિત કર્યા છે.
UP પોલીસે X પર પોસ્ટ કરીને કહ્યું છે - "ટેકનોલોજીની તાકાત, ખાકીનું સમર્પણ!"5 વર્ષની અનિશ્ચિતતા બાદ માતા કિસ્મત દેવીને તેની દીકરી પાછી મળતા આખું ગામ ભાવુક થઈ ગયું હતું.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
