તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
પીઓકે પર પાકિસ્તાનનો નવો પ્રાદેશિક પેંતરો: ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાંચમો પ્રાંત બનાવવાનો મોટો દાવ
કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર અલગ-થલગ પડેલા પડોશી દેશે આંતરિક કટોકટી અને બળવાખોરીથી જનતાનું ધ્યાન હટાવવા માટે વિવાદાસ્પદ વિધેયક પસાર કર્યું

ગિલગિટ: પાકિસ્તાન પોતાના ગંભીર આર્થિક અને રાજકીય સંકટોમાંથી બહાર આવવા માટે ફરી એકવાર કાશ્મીર મોરચે જોખમી પત્તા રમી રહ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી અનિશ્ચિતતા અને સરહદી વિવાદો વચ્ચે, ગિલગિટ-બાલ્ટિસ્તાન વિધાનસભાએ આ વ્યૂહાત્મક પર્વતીય પ્રદેશને પાકિસ્તાનનો ‘પાંચમો કામચલાઉ પ્રાંત’ જાહેર કરવા માટેનો એક અત્યંત સંવેદનશીલ અને ગેરબંધારણીય પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કર્યો છે. સત્તાધારી પક્ષો અને વિપક્ષ બંનેના સમર્થનથી લાવવામાં આવેલા આ પ્રસ્તાવમાં ઇસ્લામાબાદની સંઘીય સરકારને વિનંતી કરવામાં આવી છે કે દેશના બંધારણમાં સુધારો કરીને સ્થાનિક નાગરિકોને પાકિસ્તાનની રાષ્ટ્રીય સંસદ અને સેનેટમાં પ્રતિનિધિત્વ આપવામાં આવે.
તાજેતરમાં ૭ જૂને યોજાયેલી અને ગોટાળાના ગંભીર આક્ષેપોથી ઘેરાયેલી વિધાનસભા ચૂંટણીઓ બાદ અહીં પીપીપી (PPP) અને પીએમએલ-એન (PML-N) ની નવી ગઠબંધન સરકાર અસ્તિત્વમાં આવી છે. સત્તાની ભાગીદારીની સમજૂતી અંતર્ગત પીપીપીના અમજદ હુસૈન મુખ્યમંત્રી પદે આરૂઢ થયા કે તરત જ આ વિવાદાસ્પદ પ્રસ્તાવ પસાર કરાવવાની પ્રક્રિયાને અતિ વેગ આપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૯ માં ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫એ હટાવીને ઐતિહાસિક નિર્ણય લીધો, ત્યારથી જ પાકિસ્તાન આ વિસ્તારને પોતાના સત્તાવાર નકશામાં સંપૂર્ણપણે ભેળવી દેવા માટે અધીરું બન્યું હતું, જે કાવતરાને હવે અમલી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પરંતુ પાકિસ્તાનનો આ નફ્ફટ કાવતરો નવી દિલ્હીની મક્કમતા સામે ટકી શકે તેમ નથી. ભારતીય વિદેશ મંત્રાલયે વારંવાર ગર્જના કરી છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાન અને પીઓકે સહિત આખું જમ્મુ અને કાશ્મીર ભારતનો જ અભિન્ન, સાર્વભૌમ અને અવિભાજ્ય ભાગ છે અને રહેશે. બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં સૈન્ય પર થતા હિંસક હુમલાઓ તેમજ આર્થિક કંગાળિયતથી બચવા માટે ઇસ્લામાબાદ ભલે ગમે તેવા નકલી ખરડા પસાર કરે, પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને વૈશ્વિક રાજદ્વારી સમર્થનની કસોટી પર પાકિસ્તાનનું આ એકપક્ષીય પગલું કાગળના ટુકડા સમાન જ સાબિત થશે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
