<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

"પીઓકે આઝાદ નથી, તે પાકિસ્તાન દ્વારા કબજે કરાયેલી ગુલામ ભૂમિ છે!" : રાવલકોટમાં 80 હજાર કાશ્મીરીઓની ગર્જનાથી શાહબાઝ સરકારના હોશ ઊડ્યા

શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સેનાના બર્બર ગોળીબારમાં સ્થાનિક ક્રિકેટર સહિત 6 નિર્દોષોના મોત : સેનાના દમન સામે લડવા હવે દરેક ઘરમાંથી મહિલાઓ અને બાળકો રસ્તા પર ઉતર્યા

રાવલકોટ: પાકિસ્તાન દાયકાઓથી વૈશ્વિક મંચ પર જે "આઝાદ કાશ્મીર" નું જુઠ્ઠાણું વેચી રહ્યું હતું, તેનો તેના જ કબજા હેઠળના પ્રદેશમાં ભીષણ અંત આવ્યો છે. રાવલકોટના ઐતિહાસિક ઈદગાહ મેદાનમાં ઉમટી પડેલા 80,000થી વધુ આક્રોશિત કાશ્મીરીઓની જનમેદની વચ્ચે, જોઈન્ટ આવામી એક્શન કમિટી ના પ્રભાવશાળી નેતા સરદાર અમાન ખાને સિંહગર્જના કરી છે કે, "પીઓકે કોઈ આઝાદ કે વિવાદિત ક્ષેત્ર નથી, પરંતુ પાકિસ્તાની સેનાના બૂટ તળે કચડાયેલી એક ગુલામ ભૂમિ છે." પાકિસ્તાની સેના અને ઇસ્લામાબાદની કઠપૂતળી સરકારના દમન સામે કાશ્મીરીઓ હવે આરપારની લડાઈ લડી રહ્યા છે, જેનાથી પાકિસ્તાની સૈન્ય હુકુમતના પાયા હચમચી ગયા છે.

આ પ્રચંડ જનઆંદોલનને કચડી નાખવા માટે ક્રૂર પાકિસ્તાની સુરક્ષા દળોએ હવે લોહિયાળ માર્ગ અપનાવ્યો છે. રાવલકોટના નવા બસ ટર્મિનલ નજીક પોતાના હકો માટે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા નિઃશસ્ત્ર નાગરિકો પર સેનાએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં રસ્તાઓ નિર્દોષોના લોહીથી લાલ થઈ ગયા હતા. આ અમાનુષી હુમલામાં વિસ્તારના અત્યંત લોકપ્રિય સ્થાનિક ક્રિકેટર વાજિદ હયાત સહિત ઝાહિદ મુઘલ, ઝફર મુઘલ અને અર્સલાન અકબર જેવા 6 નિર્દોષ નાગરિકોના કરૂણ મોત નીપજ્યા છે. આ લોહિયાળ હત્યાકાંડે ખીણના લોકોમાં ભભૂકી રહેલા આક્રોશની આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે, અને સમગ્ર પ્રદેશ સળગી ઉઠ્યો છે.

પાકિસ્તાની સેનાની બંદૂકો અને અત્યાચારનો સામનો કરવા માટે હવે કાશ્મીરી જનતાએ એક અભૂતપૂર્વ રણનીતિ અપનાવી છે. સેનાના સશસ્ત્ર દમનને નિષ્ફળ બનાવવા માટે JAAC એ આંદોલનને નવું સ્વરૂપ આપતા હવે દરેક ઘરમાંથી મહિલાઓ અને માસૂમ બાળકોને પણ રસ્તા પર ઉતરી આવવા હાકલ કરી છે. આ નવી રણનીતિએ પાકિસ્તાની લશ્કરના પરસેવા છોડાવી દીધા છે, કારણ કે હવે આ લડાઈ માત્ર સંગઠનો પૂરતી મર્યાદિત નથી રહી પરંતુ દરેક પરિવારના અસ્તિત્વ અને આઝાદીનો જંગ બની ગઈ છે. પાકિસ્તાનથી હંમેશા માટે અલગ થવા મક્કમ બનેલો આ જનવિદ્રોહ હવે રોકવો અશક્ય લાગી રહ્યો છે.

(7:44 PM IST)