<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

PoK ચૂંટણી સંગ્રામ: પ્રથમ તબક્કામાં શાહબાઝ શરીફની PML-N) બાજી મારી ગઈ : સહયોગી પીપીપીએ લગાવ્યો વ્યાપક ધાંધલીનો સનસનાટીભર્યા આરોપ

45 બેઠકો માટે યોજાઈ રહેલી ચૂંટણીના પ્રથમ તબક્કામાં હિંસા અને રાજકીય બળવા વચ્ચે શાહબાઝની પાર્ટીએ 9 બેઠકો પર કબજો જમાવ્યો: જ્યારે પીપીપીએ પરિણામો પર રોક લગાવવાની માંગ સાથે પાકિસ્તાની સત્તાધીશો સામે મોરચો મંડ્યો

મુઝફ્ફરાબાદ :  પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માં ચાલી રહેલા ભારે રાજકીય ઘમાસાણ અને હિંસા વચ્ચે સ્થાનિક વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પરિણામો જાહેર થતાં જ પાકિસ્તાની રાજકારણમાં મોટો ભડકો થયો છે. પ્રાથમિક પરિણામો અનુસાર, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને નવાઝ શરીફની સૈન્ય સમર્થિત પાર્ટી 'પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ' (PML-N) એ પ્રથમ તબક્કાની 13 માંથી 9 બેઠકો પર બહુમતી સાથે વિજય મેળવ્યો છે. બીજી તરફ, બિલાવલ ભુટ્ટોની 'પાકિસ્તાન પીપલ્સ પાર્ટી'  માત્ર 4 બેઠકો પર સિમટાઈ ગઈ છે. મતદાન પૂરું થતાં જ પીપીપીએ સત્તાધારી પક્ષ પર વ્યાપક ગોટાળા અને ધાંધલીનો આક્ષેપ મૂકીને ચૂંટણી પંચ પાસે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તમામ પરિણામો સ્થગિત કરવાની આક્રમક માંગ કરી છે.

રોચક વાત એ છે કે કેન્દ્રીય સ્તરે ઇસ્લામાબાદમાં પીએમએલ-એન અને પીપીપી બંને ગઠબંધન સરકાર ચલાવી રહ્યા છે, પરંતુ PoK ના ચૂંટણી મેદાનમાં બંને પક્ષો સામસામે આવી ગયા છે. પીપીપીના વરિષ્ઠ નેતા નૈયર બુખારીએ ગંભીર દાવો કરતા જણાવ્યું છે કે જે 7 બેઠકો પર પીપીપીની જીત નક્કી હતી, તે બેઠકો બળજબરીથી અને હેરાફેરી કરીને પીએમએલ-એનને થાળીમાં પીરસી દેવામાં આવી છે. આ વિવાદ વચ્ચે મતદાનના દિવસે પીએમએલ-એન નેતા દ્વારા કરાયેલા કથિત ગોળીબારમાં પીપીપીના એક કાર્યકરનું મોત નીપજ્યું હતું અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. છતાં, વડાપ્રધાનના સલાહકાર રાણા સનાઉલ્લાહે તમામ આરોપોને ફગાવી દેતા ચૂંટણીને એકંદરે "શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ" ગણાવી હતી.

PoKમાં આ બહુચર્ચિત ચૂંટણી એવા સમયે યોજાઈ રહી છે જ્યારે આખો વિસ્તાર છેલ્લા બે મહિનાથી ભારે જનઆક્રોશ અને હિંસક પ્રદર્શનોની આગમાં સળગી રહ્યો છે. 'સંયુક્ત આવામી એક્શન કમિટી' ના નેતૃત્વમાં સ્થાનિક નાગરિકો પાકિસ્તાન સરકાર દ્વારા થઈ રહેલા આર્થિક શોષણ, ભારે કરવેરા અને 12 વિવાદિત શરણાર્થી શિબિરો નાબૂદ કરવાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે. આ સ્થિતિ પર તીખી પ્રતિક્રિયા આપતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું હતું કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અવિભાજ્ય અંગ છે. તેમણે ઉમેર્યું કે પાકિસ્તાન દ્વારા યોજવામાં આવતી આ કહેવાતી ચૂંટણીઓ તેના ગેરકાયદેસર કબજા અને માનવાધિકારના ગંભીર ઉલ્લંઘનોને છુપાવવાનો એક નિષ્ફળ અને બનાવટી પ્રયાસ માત્ર છે.

(5:43 PM IST)