તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
વિવિધ રાજ્યોમાં અતિવૃષ્ટિ, પૂર અને દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ૫૬ પરિવારોને પૂ.મોરારિબાપુની સંવેદના
દરેક મૃતકના પરિવારને ૧૫,૦૦૦ રૂપિયા લેખે કુલ ૮.૪૦ લાખની સહાય રાશિ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવા નિર્ણય : જમ્મુ-કાશ્મીરના ભારે વરસાદ, આસામના પૂર અને સિક્કિમની ટનલ દુર્ઘટનામાં દિવંગત થયેલાઓ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થનાઃ મુંબઈના રામકથા શ્રોતાઓ દ્વારા સહાય પહોંચાડાશેઃ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીને માનવતાની ભાવનાથી સહાયનો હાથ લંબાવ્યો

રાજકોટ તા.૨૩: છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક રાજ્યોમાં કુદરતી આપત્તિઓએ ભારે તારાજી સર્જી છે. જમ્મુ-કાશ્મીરમાં ધોધમાર વરસાદ, આસામમાં ભયાનક પૂર અને સિક્કિમમાં ટનલ ધસી પડવાની દુર્ઘટનાના કારણે અનેક પરિવારો પર આભ તૂટી પડ્યું છે. આ હૃદયદ્રાવક ઘટનાઓના સમાચારોથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે.
આવા દુઃખના સમયમાં પૂ.મોરારીબાપુએ તમામ દિવંગત આત્માઓની શાંતિ માટે હનુમાનજીના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરી છે. સાથે જ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીને માનવતાની ભાવનાથી સહાયનો હાથ લંબાવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં થયેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધીમાં ૨૩ લોકોના કરુણ મોત થયા છે અને વ્યાપક પ્રમાણમાં જાનમાલની ખુવારી થઈ છે. પૂજ્ય બાપુએ દરેક મૃતકના પરિવારને રૂ. ૧૫,૦૦૦ લેખે કુલ રૂ. ૩,૪૫,૦૦૦ની સહાય રાશિ અર્પણ કરવાની જાહેરાત કરી છે.
આસામમાં આવેલા પૂરના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. આ દુર્ઘટનામાં ૧૦ લોકોના જીવ ગયા છે. તેમના શોકગ્રસ્ત પરિવારજનોને પણ રૂ. ૧૫,૦૦૦ લેખે કુલ રૂ. ૧,૫૦,૦૦૦ની સહાય રાશિ અર્પણ કરવામાં આવી છે.
સિક્કિમમાં એક ટનલ ખોદકામનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જમીન ધસી પડતાં થયેલી ભયાનક દુર્ઘટનામાં ૨૩ લોકોના દુઃખદ મોત નિપજ્યા છે. તેમના પરિવારજનોને પણ રૂ. ૧૫,૦૦૦ લેખે કુલ રૂ. ૩,૪૫,૦૦૦ની સહાય રાશિ અર્પણ કરવામાં આવી છે.
ઉપરોક્ત ત્રણેય રાજ્યોના કુલ ૫૬ પરિવારો માટે કુલ રૂ. ૮,૪૦,૦૦૦ની સહાય રાશિની વિત્તીય સેવા રામકથાના મુંબઈ સ્થિત શ્રોતાઓ દ્વારા જે-તે રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે, જેથી જરૂરિયાતમંદો સુધી તાત્કાલિક મદદ પહોંચી શકે.
પૂજ્ય મોરારીબાપુએ પ્રાર્થના કરી છે કે દિવંગત આત્માઓને સદ્ગતિ મળે અને શોકગ્રસ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે.તેમ જયદેવભાઈ માંકડ(તલગાજરડા) ની યાદીમાં જણાવાયું છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
