News of Monday, 4th May 2026
બંગાળમાં ભાજપના ઐતિહાસિક વિજયને પીએમ નરેન્દ્રભાઈ મોદીએ પરંપરાગત ‘કોચાનો ધોતી’ અને કુર્તા પહેરીને વધાવ્યો : દિલ્હીમાં બંગાળી સંસ્કૃતિની ઝલક સાથે વિજયોત્સવ
ભાજપ પ્રથમવાર બંગાળમાં સરકાર બનાવવા તરફ અગ્રેસર : 163 બેઠકો પર લીડ સાથે મમતા બેનર્જીના દાયકાઓ જૂના શાસનનો અંત : વડાપ્રધાને બંગાળી પહેરવેશમાં સજ્જ થઈ કાર્યકરોને સંબોધ્યા

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં ભારતીય જનતા પાર્ટીએ રચેલા ઐતિહાસિક વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમવારે સાંજે દિલ્હીમાં એક ખાસ અંદાજમાં વિજયોત્સવ મનાવ્યો હતો. હંમેશા પોતાના પહેરવેશ દ્વારા રાજકીય અને સાંસ્કૃતિક સંદેશ આપવા માટે જાણીતા વડાપ્રધાને દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય ખાતે બંગાળી સંસ્કૃતિના પ્રતિક સમાન પરંપરાગત ‘કોચાનો ધોતી’ અને કુર્તા પહેરીને કાર્યકરોને સંબોધિત કર્યા હતા.
બંગાળી સંસ્કૃતિને આપ્યું માન
વડાપ્રધાને સફેદ કુર્તા (જેને બંગાળીમાં 'પંજાબી' કહેવામાં આવે છે) સાથે ટસર ફેબ્રિકની ‘કોચાનો ધોતી’ ધારણ કરી હતી. બંગાળમાં સદીઓથી પુરુષો ખાસ પ્રસંગોએ ધોતીની આ ખાસ શૈલી અપનાવે છે, જેમાં ધોતીના છેડાને પ્લેટ્સ (પાટલી) પાડીને કુર્તાના ખિસ્સામાં ખોસવામાં આવે છે. આ ધોતી મરૂન રંગની ભરતકામ વાળી બોર્ડર ધરાવતી હતી. આ ઉપરાંત, તેમણે ગળામાં બંગાળી પરંપરા મુજબની ‘બુટી ડિઝાઇન’ વાળો સુતરાઉ સ્કાર્ફ પણ પહેર્યો હતો.
બંગાળમાં કેસરિયો લહેરાયો
ચૂંટણી પંચના તાજા વલણો મુજબ, પશ્ચિમ બંગાળમાં ભાજપે 41 બેઠકો જીતી લીધી છે અને 163 બેઠકો પર મજબૂત લીડ ધરાવે છે, જે તેને રાજ્યમાં પ્રથમવાર સરકાર બનાવવા તરફ દોરી રહી છે. બીજી તરફ, મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ 16 બેઠકો જીતી છે અને 67 બેઠકો પર આગળ છે. આ પરિણામો સાથે બંગાળમાં દાયકાઓથી ચાલી આવતા બિન-ભાજપ શાસનનો અંત આવ્યો છે અને મમતા બેનર્જીનું ત્રણ ટર્મનું વર્ચસ્વ તૂટ્યું છે.
કાર્યકરોની કુર્બાનીને યાદ કરી
દિલ્હી ખાતે વિજયી સંબોધન દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, બંગાળમાં ભાજપના અનેક કાર્યકરોએ આ જીત માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમણે ખાસ કરીને પક્ષની મહિલા કાર્યકરો પર થયેલા અત્યાચારો અને સહન કરેલી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો. આ ઐતિહાસિક જીતને તેમણે બંગાળના હજારો કાર્યકરોની મહેનત અને બલિદાનનું પરિણામ ગણાવ્યું હતું.
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
