News of Saturday, 16th May 2026
પીએમ નરેન્દ્ર મોદી 5 દેશોના તોફાની પ્રવાસથી પરત ફરતા જ એક્શન મોડમાં: 21 મેના રોજ બોલાવી મંત્રીપરિષદની હાઈ-પ્રોફાઈલ બેઠક, તમામ મંત્રીઓ પાસે માંગશે રિપોર્ટ કાર્ડ
મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 2 વર્ષ પૂર્ણ થવાના અવસરે દિલ્હીમાં જામશે મંત્રીઓનો મહાકુંભ; નબળું પ્રદર્શન કરનારા મંત્રીઓની કેબિનેટમાંથી છુટ્ટી થવાના એંધણ, દેશભરમાં શરૂ થશે મહા જનસંપર્ક અભિયાન

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે દેશના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે. આગામી ૨૧ મેના રોજ રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને હાઈ-પ્રોફાઈલ મંત્રીપરિષદની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકની સૌથી મોટી ખાસિયત એ છે કે વડાપ્રધાન પોતાના વિદેશ પ્રવાસથી પરત ફર્યાના બીજા જ દિવસે સીધા કામ પર લાગી જશે અને તમામ વિભાગોની કડક સમીક્ષા કરશે. રાજકીય વર્તુળોમાં આ મહાબેઠકને ભવિષ્યની મોટી રાજકીય વ્યૂહરચના અને કેન્દ્રીય કેબિનેટમાં થનારા સંભવિત મોટા ફેરબદલના મજબૂત સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બુધવારે પાંચ દેશોનો પોતાનો વ્યસ્ત અને મહત્વનો વિદેશ પ્રવાસ પૂર્ણ કરીને ભારત પરત ફરશે. વતન પરત ફર્યાના બીજા જ દિવસે, એટલે કે ગુરુવાર, ૨૧ મેના રોજ પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે, જેમાં કેબિનેટ મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) સહિત મંત્રીમંડળના તમામ ૭૨ સભ્યોને ફરજિયાત હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.
મંત્રીઓની અગ્નિપરીક્ષા: છેલ્લા બે વર્ષની કામગીરીનું થશે મૂલ્યાંકન
આ હાઈ-પ્રોફાઈલ બેઠકનો મુખ્ય હેતુ છેલ્લા બે વર્ષમાં વિવિધ મંત્રાલયો દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરવાનો છે. બેઠકમાં તમામ મંત્રાલયોએ પોતપોતાના વિભાગોની સિદ્ધિઓ, સરકારી યોજનાઓની પ્રગતિ અને જમીની સ્તર પર જનતાને મળેલી રાહતનો સંપૂર્ણ અહેવાલ (રિપોર્ટ કાર્ડ) પીએમ મોદી સામે રજૂ કરવો પડશે. આ દરમિયાન જે મંત્રીઓનું પ્રદર્શન નબળું રહ્યું હશે તેમની પાંખો કપાશે અને જેઓ સારું કામ કરી રહ્યા છે તેમને કેબિનેટ વિસ્તરણમાં મોટી લોટરી લાગી શકે છે તેવી અટકળો તેજ બની છે.
મોદી શાસનના ૧૨ વર્ષ: ૧૨ મોટા ઐતિહાસિક કાર્યોની યાદી તૈયાર
આ બેઠકમાં માત્ર છેલ્લા ૨ વર્ષ જ નહીં, પરંતુ મોદી સરકારના સમગ્ર ૧૨ વર્ષના શાસનકાળ દરમિયાન દેશની છબી વૈશ્વિક સ્તરે મજબૂત કરનારા અને સામાન્ય જનતાના જીવનમાં મોટો બદલાવ લાવનારા ૧૨ મોટા અને માઈલસ્ટોન સમાન કાર્યોની એક વિશેષ યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે.
ચૂંટણી પહેલા દેશભરમાં ભાજપનું 'મહા જનસંપર્ક અભિયાન':
આ હાઈ-પ્રોફાઈલ સમીક્ષા બેઠક પૂર્ણ થયા બાદ, કેન્દ્ર સરકાર અને ભાજપ સંગઠન સંયુક્ત રીતે દેશભરમાં એક વ્યાપક અને આક્રમક જનસંપર્ક અભિયાન શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યાર સુધી જે વંચિત લોકો સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી ગયા છે તેમના સુધી પહોંચવાનો અને સરકારની ૧૨ વર્ષની ભવ્ય સિદ્ધિઓનો ઘર-ઘર સુધી પ્રચાર કરવાનો છે. પીએમ મોદીની આ આક્રમક વ્યૂહરચનાથી વિપક્ષી છાવણીમાં અત્યારથી જ ફફડાટ શરૂ થઈ ગયો છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
