News of Monday, 27th April 2026
બંગાળમાં પીએમ મોદીનું હૃદયસ્પર્શી સંબોધન: "રોડ શો મારા માટે રાજનીતિ નહીં પણ તીર્થયાત્રા છે, જનતા જ મારો પરિવાર છે"
બેરકપોરની ઐતિહાસિક ધરતી પરથી ભાવુક થયા વડાપ્રધાન : ૧૮૫૭ના વિપ્લવની શક્તિ અને મા કાલીની ભક્તિને પોતાની ઉર્જાનો સ્ત્રોત ગણાવતા મોદીએ કહ્યું- "બંગાળના લોકોના પ્રેમ સામે મારો થાક પણ ઓગળી ગયો છે"

બેરકપોર: પશ્ચિમ બંગાળના ચૂંટણી જંગના છેલ્લા દિવસે બેરકપોરની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા. રાજકીય વાકયુદ્ધના બદલે આજે તેમના શબ્દોમાં સંવેદના અને આધ્યાત્મિકતાનો પ્રવાહ વહેતો હતો. ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની યાદ અપાવતા પીએમએ કહ્યું કે, જે ધરતીએ દેશને આઝાદીનો માર્ગ બતાવ્યો હતો, તે જ ભૂમિ આજે બંગાળમાં મોટા પરિવર્તનની સાક્ષી બની રહી છે. તેમણે અત્યંત આત્મવિશ્વાસ સાથે જાહેરાત કરી કે આ તેમની અંતિમ રેલી છે અને હવે તેઓ સીધા ૪ મે પછી ભાજપ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં જ હાજરી આપવા આવશે.
પોતાના વ્યસ્ત શિડ્યુલ અને અથાક પરિશ્રમ વિશે વાત કરતા મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે સ્વીકાર્યું કે ૩૦-૪૦ વર્ષ પહેલા પણ આટલી દોડધામથી શરીર થાકી જતું હતું, પરંતુ આ વખતે બંગાળની ગરમી અને સતત રેલીઓ છતાં તેમને બિલકુલ થાકનો અનુભવ થયો નથી. તેમણે રોડ શોને 'તીર્થયાત્રા' સાથે સરખાવતા કહ્યું કે જ્યારે તેઓ રસ્તા પર લાખોની જનમેદની વચ્ચે ચાલે છે, ત્યારે મા કાલીના ભક્તોના ચહેરા પરની આસ્થા તેમને નવી શક્તિથી ભરી દે છે. અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વેના ૧૧ દિવસના અનુષ્ઠાનને યાદ કરી તેમણે બંગાળના પ્રવાસને પોતાની એક અંગત આધ્યાત્મિક યાત્રા ગણાવી હતી.
રેલીના અંતિમ ભાગમાં પીએમ મોદીએ જનતા સાથેના પોતાના અતૂટ સંબંધની વાતો શેર કરી. તેમણે જણાવ્યું કે મોડી રાત્રે પણ તેઓ લોકો દ્વારા મોકલાયેલા પત્રો, નાના બાળકોએ દોરેલા ચિત્રો અને ફોટોગ્રાફ્સ ખૂબ જ સંતોષ સાથે જુએ છે. આરામબાગની એક ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે એક નાની બાળકી જ્યારે તેમને મળવા માટે સુરક્ષા ઘેરો તોડવા પ્રયત્ન કરતી હતી, ત્યારે તે દ્રશ્ય જોઈને તેઓ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નહોતા. મોદીએ અંતમાં કહ્યું કે બંગાળના લોકોની આંખોમાં રહેલા આંસુ અને તેમનો અપાર પ્રેમ એ જ તેમના જીવનનો સૌથી મોટો ખજાનો છે, જે તેમને રાત-દિવસ જોયા વગર કામ કરવાની પ્રેરણા આપે છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
