તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Sunday, 28th June 2026
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 'મન કી બાત'ના ૧૩૫મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધ્યા : પશ્ચિમ એશિયાના યુદ્ધ સંકટ વચ્ચે સોનાની ખરીદી ટાળવા અને કારપૂલિંગ અપનાવવા કરાયેલી અપીલને જનતાએ ઝીલી : જુઓ વિડીયો
આત્મનિર્ભર ભારત અંતર્ગત સેનામાં સ્વદેશી આઇએનએસ દૂનાગિરી અને સી-૨૯૫ વિમાન સામેલ થતાં ગૌરવની ક્ષણ : આગામી ગણેશ ઉત્સવમાં પીઓપીને બદલે માટીની મૂર્તિઓ જ સ્થાપિત કરવા અને ચોમાસામાં વરસાદી પાણીના ટીપે-ટીપાનો સંગ્રહ કરવા વડાપ્રધાનનું આહવાન

નવી દિલ્હી:પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે દેશવાસીઓ સાથે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' ના ૧૩૫મા એપિસોડ દ્વારા સંવાદ સાધ્યો હતો. વર્ષ ૨૦૨૬ ના પ્રથમ છ મહિના પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીએ દેશની સુરક્ષા, આત્મનિર્ભરતા અને જનભાગીદારીના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અગાઉ પ્રધાનમંત્રી દ્વારા કરાયેલી અપીલને દેશવાસીઓએ સહર્ષ સ્વીકારી હોવા બદલ તેમણે જનતાનો આભાર માન્યો હતો. દેશના અસંખ્ય પરિવારોએ સોનાની નવી ખરીદી ટાળીને જૂના સોનાને રિસાયકલ કરવાનો તેમજ વિદેશ પ્રવાસ મોકૂફ રાખવાનો અને ઇંધણ બચાવવા કારપૂલિંગ તથા પબ્લિક ટ્રાન્સપોર્ટ અપનાવવાનો જે મક્કમ નિર્ણય કર્યો છે, તેને પીએમએ બિરદાવ્યો હતો.
**સંરક્ષણ ક્ષેત્રે ભારતની ઊંચી ઉડાન અને અમદાવાદમાં આયોજિત યોગાસન ચેમ્પિયનશિપની સિદ્ધિ:**
દેશની સુરક્ષા વ્યવસ્થા અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં કોલકાતા ખાતે આયોજિત નેવીના કાર્યક્રમમાં સંપૂર્ણ સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદિત આઇએનએસ દૂનાગિરી, આઇએનએસ સંશોધક અને આઇએનએસ અગ્રેયને ભારતીય નૌસેનાના કાફલામાં સામેલ કરાયા છે. એવિએશન સેક્ટરમાં પણ 'મેડ ઇન ઇન્ડિયા' સી-૨૯૫ વિમાને પોતાની પ્રથમ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને આવા ૪૦ વિમાનો ભારતમાં જ બની રહ્યા છે, જેનાથી એમએસએમઈ (MSME) અને એરોસ્પેસ ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઉભી થઈ રહી છે. ડીઆરડીઓ (DRDO) દ્વારા લોંગ-રેન્જ લેન્ડ-એટેક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ પણ કરાયું છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વિશ્વભરમાં ૨,૫૦૦ થી વધુ સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા. અમદાવાદ ખાતે યોજાયેલી 'વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ' માં ભારતે ૧૦૨ ગોલ્ડ મેડલ સહિત કુલ ૧૧૪ મેડલ જીતીને મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે જે દેશ માટે ગૌરવ સમાન છે.
**નાના રોકાણથી મોટું સુરક્ષા કવચ અને મહારાષ્ટ્રના પેઠકર પરિવારની અનોખી પહેલ:**
દેશમાં સરકારી વીમા યોજનાઓની સફળતાનો ઉલ્લેખ કરતા પીએમએ મહારાષ્ટ્રના નાંદેડના બહાદુરપુરા ગામના પેઠકર પરિવારની પ્રશંસા કરી હતી, જેમણે પોતાના ઘરે લગ્નના પ્રસંગે આખા ગામના આશરે ૩,૫૦૦ ગ્રામજનોને વ્યક્તિગત ૧ લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ ભેટમાં આપ્યું હતું. કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી સુરક્ષા બિમા યોજના' અંતર્ગત માત્ર ૨૦ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં ૨ લાખનું અકસ્માત વીમા કવચ મળે છે, જેમાં અત્યાર સુધી ૫૮ કરોડ લોકો જોડાયા છે અને તેમાં ૨૮ કરોડ મહિલાઓ સામેલ છે. આ યોજના હેઠળ પ્રભાવિત પરિવારોને ૩,૭૦૦ કરોડથી વધુની સહાય મળી છે. તેવી જ રીતે વાર્ષિક ૪૩૬ રૂપિયાના પ્રીમિયમ વાળી 'પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બિમા યોજના' માં ૨૭ કરોડથી વધુ લોકો જોડાયા છે અને ૧૧ લાખ પરિવારોને ૨૨,૦૦૦ કરોડ રૂપિયાની આર્થિક સહાય પહોંચાડવામાં આવી છે.
**અસમની 'હરગિલા આર્મી', નાગાલેન્ડની ફૂટબોલ લીગ અને નલન્દા-સંસ્કૃત યુનિવર્સિટીનું નવું વિઝન:**
પ્રધાનમંત્રીએ અસમમાં જોવા મળતા દુર્લભ 'હરગિલા' પક્ષી પ્રત્યે ફેલાયેલી અંધશ્રદ્ધા અને ડરને દૂર કરનાર બાયોલોજિસ્ટ પૂર્ણિમા દેવી બર્મન અને ગ્રામીણ મહિલાઓની 'હરગિલા આર્મી' ના સંઘર્ષની વાર્તા શેર કરી હતી, જેમણે વૈજ્ઞાનિક અભિગમથી લોકમાનસ બદલ્યું છે. રમતગમત ક્ષેત્રે નાગાલેન્ડમાં ૫ થી ૧૨ વર્ષના બાળકો માટે કાર્યરત 'નાગાલેન્ડ બેબી લીગ' અને દીકરીઓ માટેની ઇન્ડોર ફૂટબોલ ટુર્નામેન્ટ 'નાગાલેન્ડ વિમેન ફુત્સલ લીગ' ની સરાહના કરી હતી. ટેક્નોલોજીના યુગમાં મૂળભૂત સંસ્કૃતિને જાળવી રાખવા માટે નલન્દા યુનિવર્સિટી દ્વારા દીક્ષાંત સમારોહમાં પુનઃજીવિત કરાયેલી શાસ્રાર્થની પ્રાચીન પરંપરા તેમજ દિલ્હીની સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સાયન્સમાં શરૂ કરાનારા નવા બી.ટેક (B.Tech) પ્રોગ્રામને બિરદાવ્યો હતો. આ નવી ટેક્નોલોજી ભારતીય ભાષાઓના વિકાસ અને પ્રાચીન ગ્રંથોના ડિજિટાઈઝેશનમાં મદદ કરશે.
**વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો, મેઘાલયના લિવિંગ રૂટ બ્રિજ અને ગણેશ ઉત્સવ માટે અપીલ:**
કેરેબિયન સમુદ્રમાં આવેલા ડોમિનિકન રિપબ્લિક દેશમાં રહેતા જૂજ ભારતીયો વચ્ચે સ્થાનિક સ્પેનિશ લોકોની ટીમ 'બ્રહ્મકમલ ડોમિનિકા' દ્વારા પુરુષ સુક્તમ અને શ્રી રુદ્રમ જેવા વૈદિક મંત્રોના શુદ્ધ ઉચ્ચારણ સાથે થતા પઠનની પીએમએ પ્રશંસા કરી હતી. મેઘાલયના પ્રકૃતિ સાથે તાલમેલ ધરાવતા 'લિવિંગ રૂટ બ્રિજ' (જીવંત પુલો) ને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ નેટવર્કમાં સામેલ કરવા ભારત સરકારે અરજી કરી છે, જેના સંવર્ધન માટે ૫૦ વર્ષથી કાર્યરત હાલી વાર જી ને આ વર્ષે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બિયાવરાની મહિલાઓ દ્વારા પ્લાસ્ટિક કચરામાંથી 'ઇકો-બ્રિક્સ' બનાવી જાહેર સ્થળોને સુશોભિત કરવાના કાર્યને બિરદાવ્યા બાદ પ્રધાનમંત્રીએ આગામી ગણેશ ઉત્સવ માટે અત્યારથી જ દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP) ને બદલે ભારતીય કુંભારો દ્વારા માટીમાંથી બનેલી ગણપતિ બાપ્પાની મૂર્તિઓ જ ખરીદે, જેથી પર્યાવરણનું રક્ષણ થાય અને 'વોકલ ફોર લોકલ' ને બળ મળે. અંતમાં તેમણે ચોમાસાની ઋતુને ધ્યાને રાખી 'કેચ ધ રેન' અભિયાન અંતર્ગત વરસાદના પાણીના ટીપે-ટીપાનો સંગ્રહ કરવા વિશેષ ભાર મૂક્યો હતો.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
