તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
કાશીમાં પીએમ મોદીનો મહિલા શક્તિ શંખનાદ: ₹૭,૦૦૦ કરોડના વિકાસ કામોની ભેટ સાથે વિશ્વનાથના ધામમાં ઉમટશે જનમેદની
વારાણસીમાં ૫૦,૦૦૦થી વધુ મહિલાઓને સંબોધિત કરી પીએમ મોદી કરશે શક્તિ પૂજા: ૧૨૫થી વધુ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી બાબા વિશ્વનાથના ચરણે શીશ ઝુકાવશે, મહિલા અનામત બિલના ગરમાયેલા માહોલ વચ્ચે વડાપ્રધાનનો પ્રવાસ અત્યંત નિર્ણાયક

વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૮ એપ્રિલથી તેમના સંસદીય મતક્ષેત્ર વારાણસીની બે દિવસીય મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ કાશી અને આસપાસના જિલ્લાઓ માટે વિકાસનો પિટારો ખોલશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, વડાપ્રધાન મંગળવારે સાંજે વારાણસી પહોંચશે અને સીધા જ બારેકા ગ્રાઉન્ડ ખાતે આયોજિત 'મહિલા શક્તિ પૂજા' કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં અંદાજે ૫૦,૦૦૦થી વધુ મહિલાઓ ઉમટી પડવાની શક્યતા છે, જેમને પીએમ મોદી સંબોધિત કરશે. આ પ્રસંગે તેઓ આરોગ્ય, રસ્તા અને આવાસ ક્ષેત્રે ₹૭,૦૦૦ કરોડથી વધુના ખર્ચના ૧૨૫ જેટલા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીને પૂર્વાંચલના વિકાસને નવી ગતિ આપશે.
વડાપ્રધાનના આ પ્રવાસમાં સુરક્ષા અને આયોજનમાં પણ સ્ત્રી શક્તિનો મહિમા જોવા મળશે, કારણ કે કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થામાં માત્ર મહિલા અધિકારીઓને જ તૈનાત કરવામાં આવી છે. મહિલા અનામત સુધારો બિલ પસાર ન થયા બાદ વડાપ્રધાનનો આ કાર્યક્રમ રાજકીય દ્રષ્ટિએ પણ ઘણો સૂચક માનવામાં આવી રહ્યો છે. કાશીના ખૂણેખૂણેથી મહિલાઓને લાવવા માટે ૭૦૦થી વધુ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રિ રોકાણ વારાણસીમાં કર્યા બાદ, બીજા દિવસે એટલે કે ૨૯ એપ્રિલના રોજ વહેલી સવારે પીએમ મોદી કાશી વિશ્વનાથ મંદિરે જઈને બાબા વિશ્વનાથના આશીર્વાદ લેશે અને ગંગા ઘાટ પર ભગવાનની આરાધના કરશે.
ભાજપના કાર્યકરો અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વડાપ્રધાનના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. વારાણસીમાં રોકાણ દરમિયાન તેઓ સારનાથ ખાતેની સેન્ટ્રલ તિબેટીયન ઇન્સ્ટિટ્યૂટના એક કાર્યક્રમમાં પણ હાજરી આપે તેવી શક્યતા છે. કાશી વિશ્વનાથ ધામના નિર્માણ બાદ વડાપ્રધાનની આ મુલાકાત ધાર્મિક અને રાજકીય બંને રીતે અત્યંત મહત્વની સાબિત થશે. વડાપ્રધાનના આગમન પૂર્વે આખા શહેરને શણગારવામાં આવ્યું છે અને ભાજપના પદાધિકારીઓ આ મેગા ઇવેન્ટને સફળ બનાવવા માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. કાશીની જનતા ફરી એકવાર તેમના સાંસદને આવકારવા માટે આતુર બની છે.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
