<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

અબુ ધાબીમાં પ્રધાનમંત્રી મોદીની એનર્જી ડિપ્લોમસી: યુએઈ સાથે ૫ અબજ ડોલરના કરાર, તેલ ભંડાર અને એલપીજી સપ્લાયની ઐતિહાસિક સમજૂતી

અબુ ધાબીમાં યુએઈ સાથે ૫ અબજ ડોલરના રોકાણ અને ૩ કરોડ બેરલ તેલ ભંડાર સહિત ૬ ઐતિહાસિક કરારો સંપન્ન, હવે વૈશ્વિક તણાવ વચ્ચે પણ દેશને મળશે અવિરત એલપીજી અને ક્રૂડનો પાવરફુલ સપ્લાય

નવી દિલ્હી/અબુ ધાબી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અબુ ધાબી મુલાકાત દરમિયાન ભારત અને યુએઈ વચ્ચે એનર્જી સુરક્ષા, સંરક્ષણ અને રોકાણ ક્ષેત્રે ૬ મહત્વના કરાર થયા. યુએઈ ભારતમાં ૫ અબજ ડોલરનું રોકાણ કરશે. વ્યૂહાત્મક તેલ ભંડારમાં ૩ કરોડ બેરલ સુધી યુએઈનું તેલ સ્ટોર થશે અને લાંબા ગાળા માટે એલપીજી સપ્લાય સુનિશ્ચિત કરાયો. પશ્ચિમ એશિયામાં યુદ્ધના માહોલ વચ્ચે આ ડીલ ભારત માટે ઊર્જા કવચ સાબિત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુક્રવારે અબુ ધાબીની ટૂંકી પરંતુ અતિ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ભારત અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) વચ્ચે એનર્જી સુરક્ષા, સંરક્ષણ અને રોકાણના ક્ષેત્રે મોટા કરાર થયા છે. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ બંને દેશોએ ૬ સમજૂતી કરારોનું આદાન-પ્રદાન કર્યું હતું. યુએઈ એ ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરબીએલ બેંક અને સમ્માન કેપિટલમાં ૫ અબજ ડોલરના રોકાણની જાહેરાત પણ કરી છે.

 

એનર્જી ક્ષેત્રે બે મોટા કરાર: તેલ ભંડાર અને એલપીજી

૧. વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ કરાર: ઈન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ (આઈએસપીઆરએલ) અને અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (એડીએનઓસી) વચ્ચે થયેલી સમજૂતી મુજબ યુએઈ ભારતના વ્યૂહાત્મક તેલ ભંડારમાં ૩ કરોડ બેરલ સુધી ક્રૂડ ઓઈલ સ્ટોર કરી શકશે. આ તેલ વિશાખાપટ્ટનમ અને ભાવિ ચાંદીખોલ, ઓડિશાના ભંડારોમાં રખાશે. કરાર હેઠળ ભારત યુએઈના ફુજૈરાહમાં પણ પોતાનું તેલ સ્ટોર કરી શકશે. આ ઉપરાંત એલએનજી અને એલપીજી સ્ટોરેજ સુવિધાઓમાં પણ સહયોગ થશે.

૨. એલપીજી સપ્લાય કરાર: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસીએલ) અને એડીએનઓસી વચ્ચે લાંબા ગાળાના એલપીજી સપ્લાય માટે વ્યૂહાત્મક સહયોગ કરાર થયા. યુએઈ હાલ ભારતની એલપીજી જરૂરિયાતનો ૪૦% ભાગ પૂરો પાડે છે અને ભારતનો સૌથી મોટો સપ્લાયર છે. યુએઈ ભારતને ક્રૂડ ઓઈલનો ચોથો સૌથી મોટો સ્ત્રોત પણ છે, જે કુલ આયાતના ૧૧% પૂરા પાડે છે.

સંરક્ષણ અને મેરીટાઇમ સહયોગ

બંને દેશોએ 'સ્ટ્રેટેજિક ડિફેન્સ પાર્ટનરશિપ' માટેનું માળખું તૈયાર કર્યું છે, જે હેઠળ સંરક્ષણ ઉદ્યોગ સહયોગ, ટેકનોલોજી શેરિંગ, ઈનોવેશન અને પ્રાદેશિક સુરક્ષામાં સહકાર વધશે. ગુજરાતના વાડીનાર ખાતે શિપ રિપેર ક્લસ્ટર સ્થાપવા માટે પણ સમજૂતી થઈ છે.

૫ અબજ ડોલરનું રોકાણ

યુએઈ એ ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, આરબીએલ બેંક અને સમ્માન કેપિટલમાં કુલ ૫ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી. એમિરેટ્સ ન્યુ ડેવલપમેન્ટ બેંક (ઈએનડીબી) આરબીએલ બેંકમાં ૩ અબજ ડોલર, અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (એડીઆઈએ) એનઆઈઆઈએફ સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૧ અબજ ડોલર અને ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની સમ્માન કેપિટલમાં ૧ અબજ ડોલરનું રોકાણ કરશે.

 

પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે મહત્વ

આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે, જેમાંથી દુનિયાનો ૨૦% ક્રૂડ ઓઈલ સપ્લાય પસાર થાય છે. પ્રધાનમંત્રી મોદીએ યુએઈ રાષ્ટ્રપતિને કહ્યું કે "પશ્ચિમ એશિયામાં સંઘર્ષની અસર વૈશ્વિક સ્તરે અનુભવાઈ રહી છે. ભારત હંમેશા સંવાદ અને કૂટનીતિ પર ભાર મૂકે છે". તેમણે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી રાખવાની વ્યૂહાત્મક જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.

૨૦૧૮માં પણ આઈએસપીઆરએલ અને એડીએનઓસી વચ્ચે કરાર હેઠળ મેંગલુરુના ભંડારમાં ૫૦ લાખ બેરલથી વધુ યુએઈનું ક્રૂડ સ્ટોર કરાયું હતું. યુએઈ ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને સીઈપીએ કરાર પછી દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે.

(12:11 AM IST)