તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
મોટા રાજ્યની ચૂંટણીઓ પૂર્વે પીએમ મોદીનું મોટું આહ્વાન: ‘બિનજરૂરી સોનું ખરીદવાનું ટાળો’; દેશના અર્થતંત્રને ઉગારવા સાંસ્કૃતિક પરંપરા સામે આર્થિક નિર્ણય
ભારતનું ગોલ્ડ ઈમ્પોર્ટ બિલ $71.98 બિલિયનને પાર પહોંચતા રૂપિયો અને ટ્રેડ ડેફિસિટ દબાણ હેઠળ; ઝવેરીઓ અને વેપારી સમુદાયમાં રાજકીય ગરમાવો વધી શકે તેવા એંધાણ

નવી દિલ્હી, તા. ૦૯: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નાગરિકોને બિનજરૂરી ભૌતિક સોનું (Physical Gold) ખરીદવાનું ટાળવા માટે ખાસ અપીલ કરી છે. ભારત જેવા દેશમાં જ્યાં સોનું માત્ર રોકાણ નહીં પરંતુ કૌટુંબિક સંપત્તિ, પરંપરા અને લગ્ન-તહેવારોનો અવિભાજ્ય હિસ્સો ગણાય છે, ત્યાં આ અપીલ અત્યંત મહત્વની અને આર્થિક સમજદારી ભરેલી માનવામાં આવી રહી છે. જોકે, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબ જેવાં રાજ્યોની આગામી ચૂંટણીઓ પૂર્વે લેવાયેલો આ રાજકીય અને આર્થિક નિર્ણય વેપારી વર્ગમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ચિંતાજનક સ્તરે પહોંચેલું સોનાનું આયાત બિલ:
સરકારની આ અપીલ પાછળનું મુખ્ય કારણ ભારતનું કૂદકે ને ભૂસકે વધતું ગોલ્ડ ઈમ્પોર્ટ બિલ છે. નાણાકીય વર્ષ ૨૬ માં સોનાની આયાત મૂલ્યની દ્રષ્ટિએ ૨૪% થી વધુ વધીને $71.98 બિલિયન (અંદાજે ₹૬ લાખ કરોડથી વધુ)ના ઊંચા સ્તરે પહોંચી ગઈ છે, જ્યારે આયાતનો જથ્થો ૭૨૧ ટન જેટલો રહ્યો છે. સોનાની વિપુલ પ્રમાણમાં આયાત કરવાથી દેશના વિદેશી કૂંડિયામણ (Foreign Exchange) પર ભારે દબાણ આવે છે અને ભારતની વેપાર ખાધ (Trade Deficit) પહોળી થાય છે, જે આખરે ભારતીય રૂપિયાને નબળો પાડે છે.
રાજકીય ગણિત અને વેપારી સમુદાય પર અસર:
આ આહ્વાન એવા સમયે આવ્યું છે જ્યારે મહત્વના રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે. સોનાની ખરીદીમાં સતત ઘટાડો થવાથી જ્વેલરી ક્ષેત્રના વેચાણ પર માતબર અસર પડી શકે છે. ઝવેરીઓ અને નાના-મોટા સોનાના વેપારીઓ પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીના વફાદાર સમર્થકો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સ્વૈચ્છિક સંયમ જાળવવાની આ અપીલ વેપાર ક્ષેત્રે કેવો પ્રતિસાદ મેળવે છે તે જોવું રસપ્રદ રહેશે.
શું ભારતીયો સોના પ્રત્યેનો પ્રેમ ઘટાડી શકશે?
અંદાજ મુજબ, ભારતીય પરિવારો અને ધાર્મિક ટ્રસ્ટો પાસે આશરે ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦ ટન સોનું પડી રહ્યું છે. આ નિષ્ક્રિય સોનાને નાણાકીય મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ (GMS) અને સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) જેવા અનેક વિકલ્પો રજૂ કરાયા હતા. જોકે, કૌટુંબિક અને પૂર્વજોના દાગીના ઓગાળવા અંગેના સાંસ્કૃતિક જોડાણને કારણે આ યોજનાઓને મર્યાદિત સફળતા મળી છે. હવે જોવું એ રહેશે કે પીએમ મોદીની આ અપીલ બાદ દેશના પરિવારો સોનાની ખરીદી મુલતવી રાખે છે કે નહીં.
(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
