<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

પીએમ મોદી અને ટ્રમ્‍પ આગામી મહિને મનીલામાં મળશે

ટ્રમ્‍પ ૧૬ નવેમ્‍બરે આસિયાન સમિટ માટે મનીલાની મુલાકાત લેશેઃ મોદી પણ મનીલાની મુલાકાત લે તેવી અપેક્ષા છે

નવી દિલ્‍હી તા.૧૭: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ૧૬ નવેમ્‍બરે આસિયાન સમિટ માટે મનીલાની મુલાકાત લેશે. વ્‍હાઇટ હાઉસ અને ફિલિપાઇન્‍સે આ વાતની પુષ્ટિ કરી છે. આસિયાનમાં ટ્રમ્‍પ અને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી વચ્‍ચે મુલાકાતની શક્‍યતા વધી ગઈ છે. આ સમિટ માટે મોદી પણ મનીલાની મુલાકાત લે તેવી અપેક્ષા છે, જોકે હજુ સુધી આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ટ્રમ્‍પ અને મોદી વચ્‍ચે મુલાકાત માટે હજુ સુધી કોઈ ઔપચારિક પ્રસ્‍તાવ નથી, પરંતુ સત્તાવાર સૂત્રો કહે છે કે દ્વિપક્ષીય વેપાર કરાર માટે વાટાઘાટોમાં ગતિરોધ તોડવાના પ્રયાસોના સંદર્ભમાં આ સમયગાળા દરમિયાન મુલાકાત મહત્‍વપૂર્ણ બની શકે છે.

વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્‍યું છે કે બંને પક્ષો કોઈ નિષ્‍કર્ષ પર પહોંચવાની નજીક છે. યુએસ એમ્‍બેસેડર સર્જિયો ગોરે પણ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો છે કે મુખ્‍ય મુદ્દાઓનું નિરાકરણ થઈ ગયું હોવાથી ટૂંક સમયમાં એક કરાર થશે. બંને નેતાઓ છેલ્‍લે આ વર્ષે ફ્રાન્‍સમાં G7 સમિટ દરમિયાન મળ્‍યા હતા.

ટ્રમ્‍પ ચીનમાં APEC સમિટમાં ભાગ લેવા માટે મનીલા જઈ રહ્યા છે. મનીલામાં ઓસ્‍ટ્રેલિયા અને જાપાનના નેતાઓની હાજરીથી ત્‍યાં ક્‍વાડ સમિટની શક્‍યતા પણ વધી ગઈ છે.

આ ચાર દેશો ટૂંક સમયમાં ક્‍વાડ નેતાઓની સમિટનું આયોજન કરવા માટે સંપર્કમાં છે, જે છેલ્‍લા બે વર્ષથી યોજાઈ નથી.

જો ક્‍વાડ સમિટ મનીલામાં યોજાઈ ન શકે, તો ટ્રમ્‍પ પાસે ડિસેમ્‍બરમાં ફલોરિડામાં G20 દરમિયાન તેનું આયોજન કરવાની બીજી તક હશે.

ક્‍વાડ દેશોના વિદેશ પ્રધાનો આ મહિનાના અંતમાં એટલાન્‍ટામાં ઞ્‍૨૦ વિદેશ પ્રધાનોની બેઠક દરમિયાન પણ મળશે.(૩૮.૨)

 

(9:49 AM IST)