<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

પ્રિયંકા ગાંધીનો પીએમ મોદી પર પ્રહાર: જંતર-મંતર પર મહિલા પત્રકારોના ઉત્પીડન મુદ્દે માંગ્યા જવાબ

દિલ્હીમાં પોલીસ દ્વારા મહિલા પત્રકારોની સતામણીના વિરોધ બાદ ત્રણેય ફરિયાદોની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ

નવી દિલ્હી : દિલ્હીના જંતર-મંતર પર મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા મહિલા પત્રકારોના કથિત જાતીય ઉત્પીડન અને ગેરવર્તણૂકનો મામલો અત્યંત ગરમાયો છે. આ ગંભીર ઘટના પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને સીધા સવાલો કર્યા છે કે તેઓ આ સંવેદનશીલ મુદ્દે કેમ મૌન સેવી રહ્યા છે અને તેની નોંધ કેમ નથી લઈ રહ્યા.

પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલી મહિલાઓ અને રિપોર્ટિંગ કરી રહેલી મહિલા પત્રકારો સુરક્ષા પૂરું પાડનાર પોલીસ દળથી જ અસુરક્ષિત અનુભવી રહી છે. ડઝનબંધ પત્રકારોના વિરોધ પ્રદર્શનો અને ભારે રોષ છતાં તાત્કાલિક એફઆઈઆર દાખલ ન થવા સામે સવાલો ઉઠાવતા તેમણે કહ્યું કે કોલેજની વિદ્યાર્થિનીઓથી લઈને પત્રકારો સુધી દેશની નારીશક્તિ આજે અસુરક્ષિત વાતાવરણમાં જીવવા મજબૂર બની છે.

ઘટનાની વિગતો અનુસાર, ગત ૩ ઓક્ટોબરે જંતર-મંતર ખાતે CEC વિરુદ્ધના પ્રદર્શનનું કવરેજ કરતી ત્રણ મહિલા પત્રકારોએ સહાયક પોલીસ કમિશનર (ACP) સહિતના પોલીસકર્મીઓ પર ગંભીર જાતીય સતામણી અને દુર્વ્યવહારના આરોપો લગાવ્યા છે. આ આક્ષેપો બાદ પત્રકારો અને વિવિધ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો હતો, જેને ધ્યાનમાં રાખીને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ પોલીસના આ અમાનવીય વર્તન સામે ઊંઘી આઘાત અને નિરાશા વ્યક્ત કરી ત્વરિત કાર્યવાહીની માંગ કરી હતી.

વધતા જતા વિવાદ અને મીડિયા જગતના ભારે દબાણને પગલે દિલ્હી પોલીસે આ મામલાની નિષ્પક્ષ અને સઘન તપાસ સુનિશ્ચિત કરવા માટે ત્રણેય ફરિયાદો ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી છે. હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ પીડિત પત્રકારો અને સાક્ષીઓના નિવેદનો નોંધીને કાયદેસરની કડક તપાસ હાથ ધરવામાં આવશે, જ્યારે આગામી સમયમાં દોષિત અધિકારીઓ સામે કેવા પગલાં લેવાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

(4:00 PM IST)