<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

જેલમાંથી છૂટતા જ અભિજીત દિપકેના પીએમ મોદી પર આકરા પ્રહાર: 'ભારત માટે શરમજનક' ગણાવ્યા

24 કલાકની અટકાયત બાદ સીએસપી નેતાઓ શરતી મુક્ત, વંદો ક્યારેય મરતો નથી નો દાવો કરી આંદોલન ચાલુ રાખવા જાહેરાત

નવી દિલ્હી : કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપકેએ જેલમાંથી મુક્ત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કર્યા છે. મુક્તિ મેળવ્યા બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દિપકે જણાવ્યું કે વડાપ્રધાન તરીકે મોદી ભારત માટે શરમજનક છે અને દેશે ક્યારેય આટલો કાયર તથા ગુંડાગીરી કરનારો શાસક જોયો નથી. દિલ્હીમાં જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન યોજાય તે પહેલાં મુંબઈથી દિલ્હી વિમાનમાં પહોંચતાં જ અટકાયતમાં લેવાયેલા સીજેપી નેતાઓને 24 કલાક બાદ કોર્ટે મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

અભિજીત દિપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને કેન્ટ પોલીસ સ્ટેશનમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને એક વર્ષ સુધી શાંતિ ભંગ ન કરવાની શરતે મુક્ત કરવામાં આવ્યા છે. સીજેપીના લીગલ હેડ રત્ના સિંહે આ જામીનની પુષ્ટિ કરી હતી, જ્યારે મુક્તિ બાદ સંગઠનના સત્તાવાર હેન્ડલ પરથી "વંદો ક્યારેય મરતા નથી" તેવી હૂંકાર ભરેલી પોસ્ટ શેર કરવામાં આવી હતી. પાર્ટી પ્રવક્તા આશુતોષ રાંકાએ બપોરે પ્રેસ કોન્ફરન્સ યોજીને આગળની રણનીતિ સ્પષ્ટ કરવાની વિગતો આપી છે.

અટકાયત પહેલા જ અભિજીત દિપકે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે "જંતર મંતર 2.0" શરૂ થાય તે પહેલાં જ પોતાની હાર સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન અટકાવવા માટે જેલમાં જવું પડે તો પણ તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ને પદ પરથી હટાવવા માટેની લડાઈ ચાલુ રાખશે. સરકારે આંદોલન દબાવવા હાથ ધરેલી કડક કાર્યવાહી દર્શાવે છે કે વહીવટી તંત્ર આ વિરોધથી ડરી ગયું છે.

હાલમાં જામીન પર મુક્ત થયા બાદ પણ સીજેપી સાથે સંકળાયેલા અજિંક્ય શિંદેએ જાહેરાત કરી છે કે તેમનો પક્ષ પોતાનો વિરોધ ચાલુ જ રાખશે. દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત હોવા છતાં આંદોલનકારીઓ પોતાની પ્રસ્તાવિત રણનીતિ મુજબ વિરોધ પ્રદર્શન આગળ ધપાવશે કે કેમ અને પોલીસ તેમની સામે કેવા પગલાં લેશે તેના પર દેશભરની નજર મંડાયેલી છે.

(1:40 PM IST)