<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

પીએમ મોદીએ ‘સેવા સંકલ્પ યાત્રા’ના યુવાનો સાથે કરી પ્રેરણાદાયી વાતચીત: "રાજકીય સત્તા ભલે ગમે તેટલી મળે, આપણો મુખ્ય માર્ગ અને ઉદ્દેશ્ય હંમેશાં 'સેવા' જ હોવો જોઈએ"

વડનગરથી વારાણસી સુધી સાયકલ યાત્રા કરી રહેલા સેવા યાત્રીઓને પીએમ મોદીનું સંબોધન, ૨૦ ટીમો ૩૫,૫૦૦ કિલોમીટરનું અંતર કાપી જનસેવાનો આપશે સંદેશ

નવી દિલ્હી, તા.૨૪: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાંથી 'સેવા સંકલ્પ યાત્રા'માં ઉત્સાહભેર ભાગ લઈ રહેલા યુવાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ખાસ વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીના ૨૫ વર્ષના જાહેર જીવનની ઉજવણી અને જનસેવાની ભાવનાને ઉજાગર કરવા માટે આ વિશાળ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સંબોધન દરમિયાન પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણે માત્ર શબ્દો કે ઉપદેશો આપીને નહીં, પરંતુ સ્વયં સેવાકાર્યમાં જોડાઈને સેવાનો પવિત્ર સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવાનો છે.

વડાપ્રધાને યુવાનોને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, "આપણું આચરણ અને શિસ્ત લોકોને એ સ્પષ્ટ દર્શાવનારા હોવા જોઈએ કે આપણને ભલે ગમે તેટલી મોટી રાજકીય સત્તા પ્રાપ્ત થાય, પરંતુ આપણે પસંદ કરેલો માર્ગ હંમેશાં 'સેવા'નો જ રહેશે. આપણે ગમે તેટલી ઊંચાઈઓ સર કરીએ, તો પણ 'સેવા પરમો ધર્મ'ના સિદ્ધાંતને વળગી રહીને જ આગળ વધવાનું છે." તેમણે યાત્રામાં જોડાયેલા તમામ સાયકલ યાત્રીઓના સમર્પણને નમન કરીને તેમની સફર માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ વિશાળ સેવા સંકલ્પ યાત્રા અંતર્ગત ૧૦ ગ્રૂપ વડનગરથી વારાણસી સુધી સાયકલ યાત્રા કરી રહ્યા છે, જ્યારે કુલ ૨૦ ટીમો વિવિધ રાજ્યોના નગરો, જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાઓમાં ફરીને આશરે ૩૫,૫૦૦ કિલોમીટરનું ભગીરથ અંતર કાપશે. આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સામુદાયિક સેવા અને જનભાગીદારીવાળી પ્રવૃત્તિઓને પાયાના સ્તર સુધી લઈ જઈને દેશના દરેક નાગરિકમાં રાષ્ટ્રસેવાની ભાવના જગાડવાનો છે.

(5:39 PM IST)