તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાતના મહેમાન: જામનગરમાં ભવ્ય સ્વાગત અને સોમનાથમાં દાદાના શરણે શીશ ઝુકાવશે
વડાપ્રધાન રાત્રિ રોકાણ જામનગર કરશે, આવતીકાલે સોમનાથ વિરાસતના 75 વર્ષની ઉજવણીમાં આપશે હાજરી: વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કરશે

જામનગર/રાજકોટ:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીના આગમનને લઈને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જામનગર અને સોમનાથમાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનના રૂટ પર લોક ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે.
જામનગર પોલીસ છાવણીમાં ફેરવાયું, રોશનીથી ઝળહળી ઉઠ્યું શહેર
પીએમ મોદી આજે રાત્રે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કરશે. તેમના આગમન પૂર્વે જામનગર સર્કિટ હાઉસને પોલીસ દ્વારા અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સર્કલ સુધીના માર્ગોને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યા છે. આજે રાત્રે 7:30 કલાકે લાલ બંગલા સર્કલ પાસે વિશાળ જન અભિવાદન કાર્યક્રમ યોજાશે, જેમાં લોક ડાયરો, હુડો રાસ અને સીદી ધમાલ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જામશે.
સોમનાથના 'સુવર્ણ યુગ'ની ઉજવણીમાં સહભાગી થશે
જામનગરમાં રાત્રિ રોકાણ કર્યા બાદ, આવતીકાલે સવારે વડાપ્રધાન સોમનાથ મહાદેવના મંદિરે પૂજા-અર્ચના કરશે. સોમનાથ વિરાસતના આધુનિકીકરણના 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી આયોજિત 'અમૃત મહોત્સવ'માં તેઓ વિશેષ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ સોમનાથમાં થયેલા વિકાસકાર્યોની ગાથા આ મહોત્સવમાં પ્રદર્શિત કરવામાં આવશે.
### વડોદરામાં સરદારધામનું લોકાર્પણ
સોમનાથના કાર્યક્રમ બાદ વડાપ્રધાન વડોદરાની મુલાકાત લેશે. વડોદરા ખાતે તેઓ પાટીદાર સમાજના ગૌરવ સમાન 'સરદારધામ'નું લોકાર્પણ કરશે. પીએમના આ પ્રવાસને લઈને રાજ્યના ગૃહ વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સુરક્ષાના સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
