<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

PM કિસાન યોજના: શું પિતા અને પુત્ર બંનેને મળી શકે છે રૂ. 2,000નો હપ્તો? અરજી કરતા પહેલાં જાણી લો કેન્દ્ર સરકારનો ખાસ નિયમ

​યોજના હેઠળ પતિ, પત્ની અને સગીર બાળકો મળીને એક જ પરિવાર ગણાય: જમીન અને રેશનકાર્ડ અલગ હોય તો જ પુખ્ત પુત્રને મળશે અલગ લાભ : ​નિયમોનો અનાદર કરીને ખોટી રીતે લાભ લેનારાઓ પાસેથી નાણાં વસૂલવામાં આવશે; ઈ-કેવાયસી અને જમીન ચકાસણી કડક બનાવાઈ

​નવી દિલ્હી/ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ' (PM Kisan) યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને વાર્ષિક રૂ. 6,000ની આર્થિક સહાય દર ચાર મહિને રૂ. 2,000ના ત્રણ સમાન હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જોકે, ખેડૂતોમાં અવારનવાર એ પ્રશ્ન ઊભો થાય છે કે શું એક જ ઘરમાં રહેતા પિતા અને પુત્ર બંને આ યોજનાનો અલગ-અલગ લાભ મેળવી શકે છે?

​સરકારના નિયમો અનુસાર, PM કિસાન યોજના હેઠળ ‘પરિવાર’ની વ્યાખ્યામાં પતિ, પત્ની અને તેમના સગીર (નાબાલિગ) બાળકોનો સમાવેશ થાય છે. આ વ્યાખ્યા મુજબ, એક પરિવારમાંથી કોઈ એક જ વ્યક્તિને દર વર્ષે રૂ. 6,000નો લાભ મળી શકે છે. જો પિતા અને પુત્ર એક જ રેશનકાર્ડમાં સાથે રહેતા હોય અને ખેતીની જમીન પણ પિતાના નામે જ હોય, તો માત્ર પિતા જ આ યોજના માટે પાત્ર ઠરે છે.

​પરંતુ પુખ્ત (બાલિગ) પુત્ર માટે નિયમો અલગ છે. જો પુત્ર પુખ્ત વયનો હોય, તેનું અલગ રેશનકાર્ડ હોય અને સરકારી રેકોર્ડ (ખતા-ખતૌની/જમીનની જમાબંધી) મુજબ તેના નામે અલગ ખેતીલાયક જમીન રજિસ્ટર્ડ હોય, તો તે અલગથી અરજી કરીને રૂ. 2,000ના હપ્તાનો લાભ મેળવી શકે છે. જો જમીન માત્ર પિતાના નામે હોય અને પુત્ર પણ સાથે જ ખેતી કરતો હોય, તો પુત્રને અલગથી લાભ મળી શકતો નથી.
​કેન્દ્ર સરકાર દ્વારા હવે આધાર સીડિંગ, ઈ-કેવાયસી (e-KYC) અને જમીનની ઓનલાઈન ચકાસણી (Land Seeding) અત્યંત કડક બનાવી દેવામાં આવી છે. જો એક જ પરિવારના બે સભ્યો નિયમો વિરુદ્ધ જઈને ખોટી માહિતી આપીને નાણાં મેળવતા હોવાનું સામે આવશે, તો તેને છેતરપિંડી ગણવામાં આવશે અને અત્યાર સુધી ચૂકવાયેલી તમામ રકમ સરકાર દ્વારા પરત વસૂલ કરવામાં આવશે. આથી ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલાં પોતાના જમીનના દસ્તાવેજો અને પરિવારની સ્થિતિ નિયમો મુજબ સ્પષ્ટ હોવાની ખાતરી કરી લેવી.

(2:39 PM IST)