તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
જમીન વિવાદો ઉકેલવા હવે પ્લોટને મળશે ૧૪-અંકનો યુનિક 'ભૂ-આધાર' નંબર: નકશા, રજિસ્ટ્રી અને કેસ ડિજિટલી લિંક થશે
₹૫૬૫.૫૦ કરોડના બજેટ સાથે 'ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ' પ્રોગ્રામનો પ્રારંભ: નકલી રજિસ્ટ્રી અને જમીન છેતરપિંડી પર વાગશે બ્રેક

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં જમીન સંબંધિત છેતરપિંડી અને વિવાદો અટકાવવા માટે જમીન રેકોર્ડ્સને સંપૂર્ણપણે ડિજિટલાઈઝ કરવાનો આયોજનબદ્ધ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે દરેક જમીન અથવા પ્લોટને ૧૪-અંકનો યુનિક ઓળખ નંબર એટલે કે 'યુનિવર્સલ લેન્ડ પાર્સલ આઇડેન્ટિફિકેશન નંબર' જે 'ભૂ-આધાર' તરીકે ઓળખાશે, તે ફાળવવામાં આવશે. ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ સરકારે ₹૫૬૫.૫૦ કરોડની જોગવાઈ સાથે આ નવી સિસ્ટમનો પ્રારંભ કર્યો છે.
ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ માર્ગદર્શિકા જાહેર કરતાં જણાવ્યું કે આ સિસ્ટમથી મહેસૂલી રેકોર્ડ, જમીનનો ડિજિટલ નકશો, ખરીદ-વેચાણની રજિસ્ટ્રી અને કોર્ટ કેસ કે બેંક લોનની વિગતો એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બનશે. આનાથી ખેડૂતોને સરળતાથી બેંક લોન મળશે અને વારવાર સરકારી કચેરીઓના ચક્કર કાપવામાંથી મુક્તિ મળશે.
ખસરા નંબર, જમીનનો નકશો, રજિસ્ટ્રીની વિગતો અને બેંક લોન કે કોર્ટ કેસની માહિતી એક જ ક્લિક પર ઉપલબ્ધ થશે.કાગળ પર દર્શાવેલ પ્લોટનું વાસ્તવિક ભૌગોલિક સ્થાન અને સીમાઓ નક્કી કરવામાં સરળતા રહેશે.
જમીન ખરીદનાર વ્યક્તિ જમીનની ખરીદ-વેચાણનો ભૂતકાળ અને માલિકી હક સરળતાથી ચકાસી શકશે. જમીન સંબંધિત મહેસૂલ કેસો અને કોર્ટ કાર્યવાહીને ભૂ-આધાર સાથે જોડીને મહેસૂલી અદાલતોને પેપરલેસ બનાવવામાં આવશે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે આ ૧૪-અંકનો ભૂ-આધાર નંબર જમીનની સચોટ ચકાસણી માટે છે, પરંતુ તે માલિકી હકનું પ્રમાણપત્ર ગણાશે નહીં. જમીનની માલિકી સંબંધિત રાજ્યના મહેસૂલી કાયદાઓ અને રેકોર્ડના આધારે જ નક્કી થશે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
