તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
"પ્લીઝ, કૂતરાઓને અંદર આવવા દો!" વિમ્બલ્ડનના આયોજકો સામે વર્લ્ડ નંબર ૧ આર્યના સબાલેન્કાની અનોખી અપીલ: વર્ષો જૂના પ્રતિબંધને હટાવવા કરી માંગ
બીજા રાઉન્ડમાં જીત મેળવ્યા બાદ ભાવુક થઈ બેલારુસિયન સ્ટાર; ફ્રેન્ચ ઓપનની જેમ વિમ્બલ્ડનમાં પણ પાલતુ શ્વાનને મંજૂરી આપવા રજૂઆત, કહ્યું— "એશ સાથે સમય વિતાવવો મારા માટે મેડિટેશન જેવું છે"

લંડન: ટેનિસ જગતની સૌથી પ્રતિષ્ઠિત અને પરંપરાગત ટુર્નામેન્ટ 'વિમ્બલ્ડન ૨૦૨૬' (Wimbledon 2026) હાલમાં રસાકસીભર્યા તબક્કામાં ચાલી રહી છે. પરંતુ આ વખતે મેદાન પરના મુકાબલાની સાથે સાથે કોર્ટની બહાર પણ એક અનોખો વિવાદ સોશિયલ મીડિયા પર જોર પકડી રહ્યો છે. વિશ્વની નંબર ૧ ટેનિસ સ્ટાર આર્યના સબાલેન્કાએ (Aryna Sabalenka) ઓલ ઈંગ્લેન્ડ ક્લબના વર્ષો જૂના કડક નિયમો સામે સવાલ ઉઠાવ્યા છે. બીજા રાઉન્ડમાં શાનદાર જીત મેળવ્યા બાદ સબાલેન્કાએ વિમ્બલ્ડનના આયોજકોને ખેલાડીઓ માટે 'નો-ડોગ્સ પોલિસી' (પાલતુ કૂતરાઓ પરનો પ્રતિબંધ) સમાપ્ત કરવા માટે હૃદયસ્પર્શી અપીલ કરી છે.
'એશ' ની યાદમાં ભાવુક થઈ ટેનિસ કિંગ
વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં મેકકાર્ટની કેસલર સામે ધમાકેદાર વિજય મેળવ્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં બેલારુસિયન સ્ટાર સબાલેન્કા પોતાના પાલતુ શ્વાન 'એશ' (Ash) ને યાદ કરીને ભાવુક થઈ ગઈ હતી. ચાર વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સબાલેન્કા પાસે 'કેવેલિયર કિંગ ચાર્લ્સ સ્પેનિયલ' પ્રજાતિનો અત્યંત ક્યૂટ કૂતરો છે. સબાલેન્કાએ જણાવ્યું કે, "એશ મારા પ્રત્યે ખૂબ જ લગાવ ધરાવે છે અને જ્યારે હું ટૂર્નામેન્ટ માટે બહાર હોઉં ત્યારે તેને ઘરે એકલો છોડવો મારી લાગણીઓને ઠેસ પહોંચાડે છે."
"અમારા પાળતુ પ્રાણી ખૂબ જ સારી રીતે તાલીમબદ્ધ છે"
જ્યારે સબાલેન્કાને વિમ્બલ્ડનની આ કડક નીતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં અસંમતિ દર્શાવી હતી. તેણે જણાવ્યું કે, "આયોજકો કદાચ એ વાતથી ડરતા હશે કે આ ઐતિહાસિક અને પવિત્ર ગણાતા ટેનિસ સંકુલની અંદર કોઈ કૂતરો કંઈક ગંદકી કે નુકસાન કરશે. પરંતુ અમારા બધાના પાલતુ પ્રાણીઓ ખૂબ જ સારી રીતે તાલીમ પામેલા (Well-trained) હોય છે. તેઓ આ સુંદર ઇમારતની અંદર કંઈપણ ખોટું નહીં કરે. આપણે હવે આ જૂના નિયમોને બદલવાની જરૂર છે."
ફ્રેન્ચ ઓપનનું ઉદાહરણ: સબાલેન્કાએ આ વર્ષે યોજાયેલી ફ્રેન્ચ ઓપન (રોલેન્ડ ગેરોસ) નું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં ખેલાડીઓને પોતાના પાલતુ કૂતરા લાવવાની છૂટ હતી. માર્ટા કોસ્ટ્યુક, અનાસ્તાસિયા પોટાપોવા અને અન્ના કાલિન્સકાયા જેવા ઘણા સ્ટાર ખેલાડીઓ ત્યાં પોતાના શ્વાન સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. પરંતુ વિમ્બલ્ડનના કડક વલણને કારણે 'એશ' ને લંડન લાવવાને બદલે ઘરે જ મૂકી આવવો પડ્યો છે.
કૂતરા સાથે ફરવું એ ધ્યાન (Meditation) કરવા સમાન
પોતાના પાલતુ શ્વાન સાથેના સંબંધ વિશે વાત કરતા વર્લ્ડ નંબર ૧ ખેલાડીએ ઉમેર્યું કે, "તે એક નાની રુંવાટીવાળી વ્હાલસોયી વસ્તુ છે જે હંમેશા પ્રેમ અને આલિંગન ઈચ્છે છે. હાઈ-ટેન્શન ટૂર્નામેન્ટ દરમિયાન તેની સાથે પાર્કમાં ફરવા જવું એ મારા માટે એક પ્રકારના મેડિટેશન જેવું કામ કરે છે, જેનાથી મારો માનસિક તણાવ હળવો થાય છે." સબાલેન્કાએ કેમેરા સામે સીધી આયોજકોને વિનંતી કરતા કીધું, "વિમ્બલ્ડન, પ્લીઝ... હું તમને વિનંતી કરું છું, કૂતરાઓને અંદર આવવા દો!"
જોકે, આ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ વિમ્બલ્ડનના ચીફ એક્ઝિક્યુટિવ સેલી બોલ્ટને સ્પષ્ટ કર્યું હતું કે ઓલ ઇંગ્લેન્ડ ક્લબના નિયમો મુજબ અહીં માત્ર બ્લાઇન્ડ લોકોને મદદ કરતા 'સર્વિસ ડોગ્સ' અને સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત 'સિક્યોરિટી ડોગ્સ' ને જ પ્રવેશ મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ટેનિસની સુપરસ્ટારની આ અપીલ બાદ વિમ્બલ્ડન તેના સદીઓ જૂના શાહી નિયમોમાં કોઈ ઢીલ આપે છે કે નહીં!
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
