<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

સરકારી હોસ્‍પિટલોમાં વધુ ગુણવત્તાયુક્‍ત સેવા દર્દીને મળે તેવું પ્‍લાનીંગ

રાજ્‍ય સરકાર આગામી સમયમાં સરકારી હોસ્‍પિટલોમાં દર્દીઓને ખાનગી હોસ્‍પિટલમાં મળે તેવી ઉચ્‍ચ કક્ષાની સારવાર મળે તેનો લક્ષ્યાંક રાખીને નવી વ્‍યવસ્‍થા ગોઠવવા જઇ રહી છે : માળખાકીય સુવિધાનો સંપૂર્ણ લાભ દર્દીઓને ઉપલબ્‍ધ થાય તે માટે આયોજન કરવામાં આવશેઃ કેટલીક સરકારી હોસ્‍પિટલોમાં હજુ પણ સ્‍વચ્‍છતા મોટો પ્રશ્ન છે તેનો સંપૂર્ણ અમલ થાય તે માટે જડબેસલાક અમલ કરવા માટે હોસ્‍પિટલના વહીવટકર્તાઓને ખાસ સૂચના આપવામાં આવશે

અમદાવાદ તા.૮: રાજ્‍ય સરકાર આગામી સમયમાં સરકારી હોસ્‍પિટલોમાં દર્દીઓને ખાનગી હોસ્‍પિટલમાં મળે તેવી ઉચ્‍ચ કક્ષાની સારવાર મળે તેનો લક્ષ્યાંક રાખીને નવી વ્‍યવસ્‍થા ગોઠવવા જઇ રહી છે. આરોગ્‍ય વિભાગ સરકારી હોસ્‍પિટલનું મેનેજમેન્‍ટ સંપૂર્ણ રીતે વધુ ગુણવત્તાયુક્‍ત બને તે માટે દિવાળીના તહેવારો પછી આયોજન કરશે.

સરકારી હોસ્‍પિટલો પાછળ કરોડોનું બજેટ છતાં દર્દીને દાખલ થવાથી લઇને ડિસ્‍ચાર્જ કરવામાં આવે ત્‍યાં સુધી સંતોષજનક સારવાર મળે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા આરોગ્‍ય વિભાગ તૈયારી કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે સરકારી હોસ્‍પિટલોમાં સામાન્‍ય રીતે દર્દીઓને સિનિયર તબીબોની સારવાર મળતી હોય છે.

તે સાથે અત્‍યાધુનિક સાધનો હોય છે પરંતુ તેનો સુચારૂ ઉપયોગ અંગે કેટલાક કિસ્‍સામાં ફરિયાદ મળતી હોય છે તે નહિવત્‌ થાય તેની ઉપર ફોકસ કરાશે. તે સાથે કેટલીક સરકારી હોસ્‍પિટલોમાં હજુ પણ સ્‍વચ્‍છતા મોટો પ્રશ્ન છે તેનો સંપૂર્ણ અમલ થાય તે માટે જડબેસલાક અમલ કરવા માટે હોસ્‍પિટલના વહીવટકર્તાઓને ખાસ સૂચના આપવામાં આવશે. માળખાકીય સુવિધાનો સંપૂર્ણ લાભ દર્દીઓને ઉપલબ્‍ધ થાય તે માટે આયોજન કરવામાં આવશે.

રાજ્‍યમાં ક્‍લિનિકલ એસ્‍ટાબ્‍લિશમેન્‍ટ એક્‍ટનો અમલ પણ હજુ પૂર્ણ રીતે થઇ શક્‍યો નથી. જો તેનો સંપૂર્ણ અમલ કરવામાં આવે તો દર્દીઓને ફાયદો થઇ શકે છે. એક્‍ટની જોગવાઇ પ્રમાણે હોસ્‍પિટલના સંકુલમાં જ દર્દીઓને નજરે પડે તે રીતે હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ સેવાઓ અને તેની અંદાજીત સારવારનો ખર્ચ કેટલો હશે તેની જાણકારી આપવી જરૂરી છે. અનેક કિસ્‍સામાં ખાનગી હોસ્‍પિટલમાં દર્દીઓ દાખલ થાય તે પછી કેટલીક હોસ્‍પિટલમાં દર્દીઓ પાસેથી બેફામ રીતે રૂપિયા પડાવવામાં આવતા હોય છે તેની ઉપર અંકુશ આવી શકશે. તે સાથે તબીબો વધુ જવાબદેય પણ બનશે.

 તે ઉપરાંત કેટલીક હોસ્‍પિટલ પીએમજેમાં એમ્‍પેનલ્‍ડ હોય છે પરંતુ તમામ સારવાર આપતી હોતી નથી. આવી હોસ્‍પિટલમાં પીએમજે હેઠળ સારવાર થાય તેવી જાણકારી દર્દીને મળે એટલે દાખલ થતા હોય છે પરંતુ પાછળથી જાણકારી મળે કે કેટલાક ઓપરેશન પીએમજે હેઠળ તે હોસ્‍પિટલમાં થતા નથી. દર્દી માટે લડત ચલાવતા સંગઠનો લાંબા સમયથી તેની માગણી કરી રહ્યા છે.

(10:06 AM IST)