<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

વિમાન સતત ૪ કલાક સુધી હવામાં ઉડતું રહ્યું: પેસેન્‍જર્સના જીવ તાળવે ચોંટયા

Fly91 Airlinesની ફલાઇટ IC3401એ રાજીવ ગાંધી એરપોર્ટ પરથી ઉડાન તો ભરી પણ લેન્‍ડિંગ પહેલા ફલાઇટમાં ખામી સર્જાઇ અને જેના કારણે ફલાઇટ હવામાં જ ચાર કલાક સુધી ફરતું રહ્યું

હુબ્‍લી,તા.૨૦: Fly91 Airlines ની ફલાઇટ IC3401 લગભગ ચાર કલાક સુધી હવામાં જ ઊડતી રહી. દરેક પસાર થતી ક્ષણ સાથે મુસાફરોની બેચેની વધતી જતી હતી. આ દરમિયાન વિમાનની અંદરના વિડીયો પણ સામે આવ્‍યા છે જેમાં ઘણા મુસાફરો રડતાં હેરાન પરેશાન થતાં નજર આવી રહ્યા છે તો અમુક લોકો તેમને શાંત કરાવતા નજર પડે છે.

રાજીવ ગાંધી ઇન્‍ટરનેશલ એરપોર્ટથી ઉડાન ભરનાર એક વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો માટે ચિતા ભર્યો સમય સર્જાયો હતો. અહેવાલો મુજબ ફલાઇટે બપોરે લગભગ ૩ વાગ્‍યે ટેકઓફ કર્યું હતું અને હુબ્‍લી એરપોર્ટ પર સાંજે ૪:૩૦ વાગ્‍યે ઉતરવાનું નિર્ધારિત હતું. પરંતુ લેન્‍ડિંગ પહેલાં જ વિમાનમાં અચાનક ટેકનિકલ સમસ્‍યા ઊભી થતાં પાઇલટ્‍સે તાત્‍કાલિક લેન્‍ડિંગનો નિર્ણય રદ કર્યો. પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને વિમાનને સુરક્ષિત ઊંચાઈ પર જાળવી રાખવામાં આવ્‍યું અને આગળની કાર્યવાહી માટે તૈયારી શરૂ કરવામાં આવી.

ટેકનિકલ ખામીનું મૂલ્‍યાંકન અને ફયુલ ઓછું કરવા માટે વિમાનને લગભગ ચાર કલાક સુધી હવામાં જ રાખવામાં આવ્‍યું. આ દરમિયાન તેમુંડગોડ, દાવનગેરે અને શિવમોગ્‍ગા જેવા વિસ્‍તારો પર ચક્કર લગાવતું રહ્યું. દરેક પસાર થતી મિનિટ સાથે મુસાફરોની ચિતા વધી રહી હતી. વિમાનની અંદરની પરિસ્‍થિતિ પણ અત્‍યંત તંગ બની ગઈ હતી. કેટલાક મુસાફરો ગભરાટમાં રડી રહ્યા હતા. જ્‍યારે અન્‍ય લોકો તેમને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અંદરથી સામે આવેલા વીડિયોમાં મુસાફરોની ભયભીત સ્‍થિતિ સ્‍પષ્ટપણે જોવા મળી રહી છે.

લગભગ ચાર કલાક સુધી ચાલેલી આ અગ્નિપરીક્ષા બાદ અંતે વિમાનને કેમ્‍પેગૌડા ઇન્‍ટરનેશનલ એરપોર્ટ તરફ વાળવામાં આવ્‍યું. જ્‍યાં તે સાંજે ૭:૩૦ વાગ્‍યે સુરક્ષિત રીતે ઉતર્યું. વિમાન જમીન પર ઉતરતા જ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો. ઘણા લોકો પ્રાર્થના કરતા જોવા મળ્‍યા હતા. જ્‍યારે કેટલાક ઈમોશનલ થઈને રડી પડ્‍યા હતા. એરલાઇન દ્વારા હવે ટેકનિકલ ખામીની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. પાઇલટ્‍સના સમયસર અને સમજદાર નિર્ણયને કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી ગઈ અને તમામ મુસાફરો સુરક્ષિત રીતે બચી ગયા.

(3:13 PM IST)