<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ધાર્મિક સ્થળો પર સુરક્ષા અને સાવચેતી અંગે બાગેશ્ર્વર ધામના પીઠાદીશ્વરે વ્યક્ત કરી ગંભીર ચિંતા: વૃંદાવનની આઘાતજનક ઘટના બાદ છતરપુરમાં દિવ્ય દરબાર દરમિયાન મહિલા ભાવિકોને કોઈ અજાણી વ્યક્તિના બહેકાવામાં ન આવવા તેમજ એકલા મુસાફરી ન કરવા સણસણતી અપીલ કરાઈ

​ધામનો વિસ્તાર વિશાળ હોવાથી આંતરિક વ્યવસ્થા સિવાયના પાંચ કિલોમીટરના વિશાળ પરિસરમાં દરેક સ્થળે વ્યક્તિગત સુરક્ષા પૂરી પાડવી શક્ય નથી; આથી શ્રદ્ધાળુઓ સ્વયં જાગરૂક બની શંકાસ્પદ તત્વોથી અંતર જાળવે અને બિનજરૂરી રોકાણ ટાળે તેવો સનાતન સંતોનો મહત્વનો સંદેશ

​છતરપુર (મધ્ય પ્રદેશ):વર્તમાન સમયમાં ધાર્મિક યાત્રાધામો પર વધતી જતી અણબનાવોની ઘટનાઓ અને સનાતન પરંપરા સામે ઊભા થઈ રહેલા વિવિધ પડકારોને ધ્યાનમાં રાખીને સંત સમાજ દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને ગંભીર મંથન શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં વૃંદાવનમાં બનેલી રહસ્યમય અને આઘાતજનક ઘટનાથી સમગ્ર સનાતની સંપ્રદાયમાં અરેરાટી વ્યાપી ગઈ છે, ત્યારે મધ્ય પ્રદેશના છતરપુર સ્થિત વિશ્વપ્રસિદ્ધ બાગેશ્ર્વર ધામના પીઠાદીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિવ્ય દરબારના સમાપન પ્રસંગે ભાવિકો, ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ સુરક્ષા માર્ગદર્શિકા અને ચેતવણી જારી કરી છે.

​શુક્રવારે મોડી રાત્રે યોજાયેલા દિવ્ય દરબારના અંતે સંગતને સંબોધિત કરતી વખતે બાગેશ્ર્વર સરકારે વૃંદાવનની ઘટનાનો પરોક્ષ રીતે ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, હાલના સમયમાં સનાતન ધર્મ અને તેના ધાર્મિક સ્થળો વિવિધ પ્રકારના સક્ષમ તેમજ અદ્રશ્ય પડકારોનો સામનો કરી રહ્યા છે. આવા સંજોગોમાં ધામમાં આવતી માતાઓ અને બહેનોએ પોતાની યાત્રા દરમિયાન વિશેષ સતર્કતા દાખવવી જરૂરી છે. તેમણે ભારપૂર્વક અપીલ કરી હતી કે મહિલા શ્રદ્ધાળુઓએ શક્ય હોય ત્યાં સુધી એકલા ધામની યાત્રા કરવાથી બચવું જોઈએ. જો કોઈ અનિવાર્ય સંજોગોમાં એકલા આવવું પડે, તો પણ પરિસરમાં કે યાત્રા દરમિયાન મળતી કોઈપણ અજાણી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન મૂકવો. કોઈપણ અજાણ્યા શખ્સ સાથે ક્યાંય જવું નહીં તેમજ તેમના બહેકાવામાં આવવું નહીં.

​શ્રદ્ધાળુઓની સુરક્ષાત્મક જવાબદારી અંગે સ્પષ્ટતા કરતા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, બાગેશ્ર્વર ધામનો સમગ વિસ્તાર લગભગ પાંચ કિલોમીટરમાં ફેલાયેલો છે. મંદિર પરિસર, મુખ્ય સભાખંડ અને ધામના નિયમિત વિસ્તારની અંદર તમામ પ્રકારની સુવિધા અને સુરક્ષા વ્યવસ્થા ધામ પ્રબંધક કમિટી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે. પરંતુ આટલા મોટા અને ખુલ્લા ભૂખંડના ખૂણે-ખૂણે દરેક વ્યક્તિને વ્યક્તિગત સુરક્ષા આપવી વ્યવહારિક રીતે અશક્ય છે. તેથી ધામમાં આવતા તમામ માઈભક્તોએ પોતે પણ પોતાની સુરક્ષા પ્રત્યે જવાબદારી સમજવી પડશે.

​તેમણે ઉમેર્યું હતું કે શ્રદ્ધાળુઓએ ધામ વિસ્તારમાં બિનજરૂરી રીતે લાંબા સમય સુધી રોકાવું ન જોઈએ અને દર્શન પૂર્ણ કરી સુરક્ષિત રીતે સ્વગૃહ ભણતર તરફ પ્રસ્થાન કરવું જોઈએ. દરેક વ્યક્તિએ સ્વયં જાગરૂક રહેવાની સાથે સાથે પોતાની સાથે આવતા અન્ય લોકોને પણ સાવચેત રહેવા પ્રેરણા આપવી જોઈએ.

​ઉલ્લેખનીય છે કે, વૃંદાવનમાં પ પૂજ્ય પ્રેમાનંદ મહારાજજીના શિષ્ય રસીક દુલાડી શરણ (દીપક લોધી)નો ગત ૨૫ સપ્ટેમ્બરના રોજ શંકાસ્પદ સંજોગોમાં દેહવિલય થયો હતો. આ ઘટના અને આશ્રમ સાથે જોડાયેલા તથ્યો બાદ સમગ્ર બ્રજમંડળ સહિત દેશભરના સંતો અને શ્રદ્ધાળુઓમાં ભારે ખળભળાટ મચેલો છે. આ જ પરિપ્રેક્ષ્યમાં બાગેશ્ર્વર ધામના પીઠાદીશ્વરે મહિલાઓ અને પરિવારોને અંધશ્રદ્ધા કે અજાણ્યા લોકોના વિશ્વાસમાં આવ્યા વગર પોતે જ પોતાની સુરક્ષાના કવચ બનવાની હાકલ કરી છે.

(6:09 PM IST)