તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
દરિયામાં ડાકુગીરી? યુદ્ધવિરામ છતાં ઈરાનની દાદાગીરી યથાવત: હોર્મુઝની સામુદ્રધુનીમાં ગુજરાત આવતા જહાજ સહિત બે જહાજોને કર્યા જપ્ત
દુબઈથી કચ્છના મુન્દ્રા બંદર તરફ આવતા જહાજને ઈરાની સેનાએ રસ્તામાં જ અટકાવ્યું: ત્રીજું જહાજ પણ ઈરાન પાસે ફસાયું, વૈશ્વિક શિપિંગ રૂટ પર જોખમ વધતા ભારતની ચિંતામાં થયો વધારો

રાજકોટ, તા.૨૨: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, પશ્ચિમ એશિયાના દરિયાઈ વિસ્તારોમાં શાંતિ સ્થપાવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ નેવી (IRGC) એ ફરી એકવાર આક્રમક વલણ અપનાવીને વ્યૂહાત્મક હોર્મુઝની સામુદ્રધુનીમાં બે મોટા જહાજોને જપ્ત કરી લીધા છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે, આ પૈકીનું એક જહાજ સીધું ગુજરાતના મુન્દ્રા બંદર તરફ આવી રહ્યું હતું.
મુન્દ્રા આવતા જહાજ પર ઈરાનનો પંજો
ઈરાનની સમાચાર એજન્સી તસ્નીમ મુજબ, લાઇબેરિયાનો ધ્વજ ધરાવતું 'એપામિનોડ્સ' (Epaminondas) નામનું જહાજ દુબઈથી રવાના થઈ ગુજરાતના મુન્દ્રા બંદર તરફ આવી રહ્યું હતું. આ જહાજને ઈરાની નૌસેનાએ રસ્તામાં જ આંતરી લીધું હતું. આ ઉપરાંત પનામાનો ધ્વજ ધરાવતું 'MSC ફ્રાન્સેસ્કા' પણ ઈરાનની કસ્ટડીમાં છે. ઈરાની સરકારી મીડિયાનો દાવો છે કે આ જહાજોએ દરિયાઈ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તેથી તેમને જપ્ત કરી ઈરાની કિનારા તરફ લઈ જવામાં આવ્યા છે.
ત્રીજું જહાજ પણ સંકટમાં
માત્ર બે જહાજો જ નહીં, પરંતુ ગ્રીક માલિકીનું 'યુફોરિયા' નામનું ત્રીજું જહાજ પણ અત્યારે ઈરાની કિનારા નજીક ફસાયેલું હોવાના અહેવાલ છે. જોકે આ જહાજની સત્તાવાર અટકાયત કરવામાં આવી નથી, પરંતુ તેની હિલચાલ પર નિયંત્રણો હોવાથી વૈશ્વિક શિપિંગ કંપનીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટનાક્રમને કારણે દુબઈ અને ભારત વચ્ચેના કાર્ગો પરિવહન પર માઠી અસર પડવાની શક્યતા છે.
વૈશ્વિક વેપાર પર તોળાતું જોખમ
હોર્મુઝની સામુદ્રધુની એ વિશ્વના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક શિપિંગ રૂટ પૈકીનો એક છે. ભારત માટે આ રૂટ ખાસ મહત્વનો છે કારણ કે તેલ અને અન્ય જરુરી સામાનનું પરિવહન મોટાભાગે આ જ રસ્તે થાય છે. ટ્રમ્પના યુદ્ધવિરામ પ્રયાસો છતાં ઈરાનની આ કાર્યવાહી દરિયાઈ સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વાણિજ્ય માટે મોટો પડકાર બની રહી છે.
નિષ્ણાતોનો મત
દરિયાઈ સુરક્ષા નિષ્ણાતો માને છે કે ઈરાનની આ હરકત પાછળ રાજકીય દબાણ લાવવાની રણનીતિ હોઈ શકે છે. પરંતુ ભારત તરફ આવતા જહાજોને નિશાન બનાવવામાં આવતા હવે ભારત સરકાર આ મામલે શું રાજદ્વારી પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે. મુન્દ્રા બંદર પર આવનારા કાર્ગો ટ્રાફિકમાં આને કારણે વિલંબ થઈ શકે છે.
દરિયાઈ માર્ગે ચાલતા આ 'પાવર ગેમ'માં સામાન્ય વેપારીઓ અને શિપિંગ કંપનીઓ અત્યારે અટવાઈ પડી છે. શું યુદ્ધવિરામ માત્ર કાગળ પર જ રહેશે? આ સવાલ અત્યારે આખા વિશ્વમાં ગાજી રહ્યો છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
