<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

ભારતીય ન્યાયતંત્રમાં ડિજિટલ ક્રાંતિનો ‘ફેઝ-3’ પ્રારંભ: ₹7,210 કરોડના ખર્ચે અદાલતો થશે હાઈટેક, CJI સૂર્યકાન્તે ટેકનોલોજીને ગણાવ્યું ‘બંધારણીય સાધન’

ગામડાઓ સુધી પહોંચશે ડિજિટલ ન્યાય: ઈ-સેવા કેન્દ્રોનો વ્યાપ વધશે અને હવે મોબાઈલ એપ પર જ મળશે કેસની તમામ વિગતો, જેલ અને કોર્ટ સિસ્ટમનું એકીકરણ થતા પ્રક્રિયામાં આવશે પારદર્શિતા

નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તે શનિવારે દેશની ન્યાયિક પ્રણાલીને સંપૂર્ણપણે બદલી નાખનારા 'ઈ-કોર્ટ્સ પ્રોજેક્ટ'ના ત્રીજા તબક્કાનું (Phase III) ઔપચારિક લોન્ચિંગ કર્યું છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹7,210 કરોડનો તોતિંગ ખર્ચ કરવામાં આવશે. નવી દિલ્હીમાં આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં CJI એ સ્પષ્ટ કર્યું હતું કે ટેકનોલોજી હવે માત્ર સગવડ નથી, પરંતુ ન્યાય મેળવવા માટેનું એક શક્તિશાળી 'બંધારણીય સાધન' છે.
માત્ર કોમ્પ્યુટરાઇઝેશન નહીં, મૂળભૂત સુધારો
CJI સૂર્યકાન્તે જણાવ્યું હતું કે ઈ-કોર્ટ્સનો ત્રીજો તબક્કો અગાઉના તબક્કાઓ કરતા ઘણો આગળ છે. અગાઉ માત્ર કોમ્પ્યુટરાઇઝેશન અને વર્ચ્યુઅલ સુનાવણી પર ધ્યાન હતું, પરંતુ હવે આખી વ્યવસ્થાને મૂળભૂત રીતે બદલવાની તૈયારી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાય વ્યવસ્થાને વધુ સુલભ, પારદર્શક અને સામાન્ય લોકો માટે અસરકારક બનાવવાનો છે. ટેકનોલોજીના માધ્યમથી ન્યાયની પહોંચ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાયો છે.
ડિજિટલ ડિવાઈડ દૂર કરવા પર ભાર
આ તબક્કા હેઠળ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો માટે ડિજિટલ ન્યાય સેવાઓ પૂરી પાડવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. 'ઈ-સેવા' કેન્દ્રોનું વિસ્તરણ કરવામાં આવશે જેથી જે લોકો પાસે ઈન્ટરનેટ કે સ્માર્ટફોન નથી, તેઓ પણ સરળતાથી ન્યાય મેળવી શકે. આ સિવાય સિંગલ સાઈન-ઓન (SSO) પોર્ટલ અને ઈ-કોર્ટ્સ મોબાઈલ એપનું નવું વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું છે, જે વકીલો અને અસીલો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
સમન્સ અને જેલ સિસ્ટમનું ડિજિટાઈઝેશન
નવી પહેલ મુજબ, હવે સમન્સની ડિલિવરી ઈમેઈલ દ્વારા કરવામાં આવશે, જેનાથી પ્રક્રિયામાં થતો વિલંબ ઘટશે. સૌથી મહત્વનો ફેરફાર 'ઈ-કોર્ટ્સ' અને 'ઈ-પ્રિઝન્સ' સિસ્ટમનું એકીકરણ છે. આનાથી જેલ પ્રશાસન અને અદાલતો વચ્ચે સીધો સંવાદ શક્ય બનશે, જે કેદીઓના અધિકારો અને કાયદાકીય પ્રક્રિયાઓને વધુ ઝડપી બનાવશે.
ન્યાય ક્ષેત્રે સમાનતાનું સાધન
કોન્ફરન્સમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. CJI એ અંતમાં ભારપૂર્વક કહ્યું હતું કે ટેકનોલોજી એ સમાનતા અને ન્યાયની પહોંચને મજબૂત બનાવવાનું માધ્યમ છે. આ પ્રોજેક્ટની સફળતા બાદ સામાન્ય નાગરિકોને અદાલતોના ચક્કર કાપવામાંથી ઘણી રાહત મળશે અને કેસોનો નિકાલ ઝડપથી આવશે. ભારતીય ન્યાયતંત્ર હવે પેપરલેસ અને ડિજિટલ યુગ તરફ મક્કમ ડગલે આગળ વધી રહ્યું છે.

(12:09 AM IST)