તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢે સામે ફાર્માસિસ્ટોનો ભારે રોષ: ઓફલાઇન મેડિકલ સ્ટોર્સ પર કડકાઈ સામે ઓનલાઇન ઈ-ફાર્મસીના બેરોકટોક વેચાણ સામે ઉઠ્યા ગંભીર સવાલો
પરંપરાગત કેમિસ્ટોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી સામે એસોસિએશને બેવડા ધોરણોનો આક્ષેપ કર્યો; ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અને ગર્ભપાતની દવાઓના ઓનલાઇન વેચાણથી સ્વાસ્થ્ય સામે ખતરો વધ્યાની આશંકા.

મુંબઈ, તા.22: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પોતાના આક્રમક અને કડક નિર્ણયોથી ચર્ચામાં રહેલા આઈએસ અધિકારી તુકારામ મુંઢે સામે રાજ્યભરના ફાર્માસિસ્ટો અને કેમિસ્ટ એસોસિએશને ભારે નારાજગી અને વિરોધ વ્યક્ત કર્યો છે. ખાદ્ય ભેળસેળ સામેની ઝુંબેશમાં લોકપ્રિય બનેલા કમિશનરની ડ્રગ્સ વિભાગની કામગીરી સામે હવે સવાલો ઉઠવા લાગ્યા છે.
ફાર્માસિસ્ટોનો મુખ્ય આક્ષેપ છે કે એફડીએ પ્રશાસન દ્વારા માત્ર નાના અને પરંપરાગત રિટેલ મેડિકલ સ્ટોર્સને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. નિયમોનું પાલન ન થવાના કે ક્વોલિફાઇડ ફાર્માસિસ્ટ હાજર ન હોવાના બહાને સેંકડો દુકાનોના લાયસન્સ રદ કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ નિયમોની એસીતેસી ઉડાવીને ખુલ્લેઆમ ચાલતી ઓનલાઇન ઈ-ફાર્મસીઓ સામે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
કમિશનર તુકારામ મુંઢેની આ કડકાઈ સામે સવાલો ઉઠાવતા કેમિસ્ટોએ પૂછ્યું છે કે જો ઓફલાઇન સ્ટોર્સ માટે કાયદો એટલો જ સખત છે, તો પછી ઓનલાઇન પોર્ટલ્સ દ્વારા થતા દવાઓના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર કોઈ રોક કેમ નથી? ઓનલાઇન માધ્યમો માટે સરકારી નિયમો કેમ લાગુ કરવામાં આવતા નથી?
ફાર્માસિસ્ટ એસોસિએશને ગંભીર આક્ષેપ કર્યો છે કે અનેક ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર ડોક્ટરના માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર પણ શેડ્યૂલ ડ્રગ્સ અને ગંભીર બિમારીઓની દવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે. ગ્રાહકની સાચી ઓળખ કે વાસ્તવિક જરૂરિયાતની કોઈ ચકાસણી ન થવાને કારણે ઓવરડોઝ અને દવાઓના દુરુપયોગનું જોખમ અનેકગણું વધી ગયું છે.
ખાસ કરીને ગર્ભપાત માટે વપરાતી અતિસંવેદનશીલ દવાઓ (MTP કિટ્સ) ના ઓનલાઇન વેચાણ સામે ફાર્માસિસ્ટોએ લાલબત્તી ધરી છે. નિયમ મુજબ આ દવાઓ માત્ર તબીબી દેખરેખ હેઠળ જ આપી શકાય છે, પરંતુ ઓનલાઇન પ્લેટફોર્મ્સ પરથી આડેધડ વેચાણ થવાથી તેના ભયાનક પરિણામો આવી શકે છે.
રાજ્યભરના ફાર્માસિસ્ટોએ ઉગ્ર માગણી કરી છે કે એફડીએ માત્ર નાના કેમિસ્ટોને દંડવાને બદલે ઓનલાઈન ઈ-ફાર્મસી કંપનીઓ સામે પણ ત્વરિત કડક તપાસ શરુ કરે અને ડિજિટલ માર્કેટમાં મોનિટરિંગ સિસ્ટમ વધુ મજબૂત બનાવે, જેથી વ્યાપારી અસમતુલા દૂર થઈ શકે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
