News of Saturday, 19th September 2026
પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવે મચાવ્યો હાહાકાર: મોંઘવારીના વિરોધમાં ગધેડા-ગાડીમાં બેસીને સિંધ વિધાનસભા પહોંચ્યા પૂર્વ PM ઈમરાન ખાનની પાર્ટીના ધારાસભ્યો!
ઈંધણના ભાવ રૂ. ૪૦૦ની સપાટી નજીક પહોંચતાં આક્રોશ: સરકારના "પેટ્રોલ બોમ્બ" સામે પ્લેકાર્ડ્સ અને ભારે સૂત્રોચ્ચાર સાથે પીટીઆઈ નેતાઓએ નોંધાવ્યો અનોખો વિરોધ

કરાચી : આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાનમાં ઈંધણના ભાવમાં થયેલા તીવ્ર અને અસહ્ય વધારાને પગલે દેશભરમાં જનતા અને વિપક્ષનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. શુક્રવારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ધારાસભ્યોએ પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારા સામે વિરોધ નોંધાવવા માટે એક અત્યંત અનોખો અને ધ્યાન ખેંચનારો માર્ગ અપનાવ્યો હતો. પીટીઆઈના ધારાસભ્યો પોતાના મોંઘા વાહનો છોડીને ગધેડા-ગાડા પર સવાર થઈને સિંધ વિધાનસભા પરિસરમાં પહોંચ્યા હતા, જેને જોઈને સુરક્ષાકર્મીઓ અને લોકો દંગ રહી ગયા હતા.
'ડોન'ના અહેવાલ મુજબ, પીટીઆઈ નેતા સજ્જાદ અલી સૂમરોની આગેવાની હેઠળ ધારાસભ્યોએ વિધાનસભા નજીકના વિસ્તારથી મુખ્ય પ્રવેશદ્વાર સુધી ગધેડા-ગાડામાં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમના હાથમાં સરકાર વિરોધી પ્લેકાર્ડ્સ હતા અને તેઓ સંઘીય સરકાર સામે જોરદાર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન સજ્જાદ અલીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "પેટ્રોલના ભાવ એટલા અસહ્ય મોંઘા થઈ ગયા છે કે હવે અમારે પોતાના વાહનો ઘરે મૂકીને ગધેડા-ગાડામાં વિધાનસભા આવવું પડી રહ્યું છે. સરકારે જનતા પર સીધો 'પેટ્રોલ બોમ્બ' ફોડ્યો છે."
પેટ્રોલ રૂ. ૩૯૦ અને ડીઝલ રૂ. ૪૨૪ને પાર!
પાકિસ્તાનમાં ગુરુવારે મોડી રાત્રે જાહેર કરાયેલા નવા ભાવ-ફેરફાર બાદ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૩૯૦.૭૯ ની ઐતિહાસિક ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો છે, જ્યારે હાઈ-સ્પીડ ડીઝલ (HSD)નો ભાવ પ્રતિ લિટર રૂ. ૪૨૪.૯૨ થયો છે. આટલા ઊંચા ભાવના કારણે દૈનિક વપરાશની ચીજવસ્તુઓ અને પરિવહન ખર્ચમાં ભારે ઉછાળો આવ્યો છે. પીટીઆઈ નેતાઓએ ચેતવણી આપી છે કે જો સરકારી નીતિઓમાં સુધારો કરીને ઈંધણના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવામાં નહીં આવે તો સમગ્ર દેશમાં જનઆંદોલન છેડવામાં આવશે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
