News of Monday, 4th May 2026
રાજ્યોના ચૂંટણી પરિણામ બાદ હવે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના એંધાણ : ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે
ઓઈલ માર્કેટીંગ કંપનીઓને ચોક્કસ કિંમતથી ઓછા ભાવથી પેટ્રોલ,ડિઝલ તથા LPG વેચી નુકસાન થતું હોવાનો દાવો

નવી દિલ્હી :પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ટૂંક સમયમાં વધારો જાહેર કરવામાં આવી શકે છે. વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલની કિંમતો સતત પ્રતિ બેરલ 110 ડોલર ઉપર રહેતા હવે ઘરઆંગણે કિંમતોમાં સરકાર ગમે ત્યારે ભાવ વધારો કરી શકે છે. વિવિધ રાજ્યોમાં ચૂંટણી બાદ પરિણામો પણ આવી જતા હવે કિંમતોમાં ભાવ વધારો કરવાનો ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.
સરકારે એક સિનિયર અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે ઓઈલ માર્કેટીંગ કંપનીઓ ચોક્કસ કિંમતથી ઓછા ભાવથી પેટ્રોલ,ડિઝલ તથા LPG વેચી નુકસાન થતું હોવાનો દાવો કરી સરકાર પર સતત ભાવ વધારો કરવા દબાણ કરી રહી છે. આ માટે ઓઈલ કંપનીઓ આ માટે સતત પેટ્રોલિયમ મંત્રાલય તથા નાણાં મંત્રાલયના સંપર્કમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરીએ માર્ચમાં કહ્યું હતું કે સરકારી ઓઈલ માર્કેટીંગ કંપનીઓને પેટ્રોલમાં પ્રતિ લીટર આશરે રૂપિયા 24 અને ડીઝલમાં પ્રતિ લીટર આશરે રૂપિયા 30 નુકસાન થઈ રહ્યું છે. તેમણે જ્યારે આ નિવેદન આપ્યું ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલ હતી.
વર્તમાન સમયમાં આ ભાવ વધીને પ્રતિ બેરલ 110 ડોલર પહોંચી ગઈ છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયો પણ તે સમય કરતાં અત્યારે વધારે ગગડેલો છે.
સરકારી ઓઈલ કંપનીઓ એવો પણ દાવો કરે છે કે તેમના દ્વારા છેલ્લા 4 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો ન હતો. પણ હકીકત એ પણ છે ભારતીય ઓઈલ કંપની વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ 60 ડોલર ભાવ હતો અને તેમાં પણ રશિયા તરફથી આ કિંમતમાંથી બમ્પર ડિસ્કાઉન્ટથી આયાત કરતી હતી.
આ સંજોગોમાં ઓઈલ કંપનીએ પ્રજાને રાહત મળે તે માટે કોઈ ભાવ ઘટાડો કર્યો ન હતો અને સતત ખૂબ જ નીચી કિંમતોનો લાભ પોતાની તરફેણમાં કર્યો હતો. હવે જ્યારે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ 110 ડોલર થયા છે ત્યારે આ કંપનીઓ નુકસાન થતુ હોવાનું દર્શાવી સતત પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાની માંગ કરી રહી છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
