<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

યુદ્ધની આગથી દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો :ભારતમાં ચૂંટણી બાદ ભાવ વધવાની આશંકા

ફિલિપાઈન્સમાં ડીઝલના ભાવમાં 172 ટકા, લાઓસમાં 169 ટકા અને મ્યાંમારમાં 161 ટકાનો વધારો નોંધાયો

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતી તણાવભરી પરિસ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ બજારમાં ભારે અનિશ્ચિતતા ઊભી થઈ છે. આ તણાવના કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 71 ડોલરથી વધીને 111 ડોલર સુધી પહોંચી ગયા છે, જેના સીધા પ્રભાવથી અનેક દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ગ્લોબલ આંકડાઓ મુજબ ફિલિપાઈન્સમાં ડીઝલના ભાવમાં 172 ટકા, લાઓસમાં 169 ટકા અને મ્યાંમારમાં 161 ટકાનો વધારો નોંધાયો છે.

ભારતમાં હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે, જ્યાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 94.77 અને ડીઝલનો ભાવ રૂ. 87.67 આસપાસ જળવાઈ રહ્યો છે. સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો અને નિકાસ ટેક્સમાં વધારો કરીને ભાવ નિયંત્રણમાં રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.પરંતુ સૂત્રો અનુસાર, પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાલ ભાવ વધારો અટકાવવામાં આવ્યો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મેકક્વેરી ગ્રુપના અહેવાલ મુજબ સરકારી ઓઈલ કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. 18 અને ડીઝલ પર રૂ. 35નું નુકસાન થઈ રહ્યું છે. વૈશ્વિક બજારમાં તણાવ યથાવત રહેતા અને સપ્લાય અંગેની અનિશ્ચિતતા વધતા ભારત માટે લાંબા સમય સુધી ભાવ સ્થિર રાખવો મુશ્કેલ બની શકે છે.

 

 

(7:29 PM IST)