<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

વૈશ્વિક માર્કેટમાં ક્રૂડ ઓઇલમાં ભાવમાં ઘટાડો થયો છતાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થાય તેવી શકયતા ઓછી

ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા હોવા છતાં કંપનીઓ તાત્કાલિક ગ્રાહકોને તેનો લાભ આપવાના મૂડમાં નથી

નવી દિલ્હી :આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil)ની કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય રીતે ક્રૂડ ઓઇલ સસ્તું થાય ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડાની અપેક્ષા રાખવામાં આવે છે પરંતુ હાલ એવી કોઈ શક્યતા દેખાતી નથી. ઇન્ડસ્ટ્રીના જાણકારોના જણાવ્યા મુજબ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) હાલમાં ભારે આર્થિક દબાણ હેઠળ છે અને તેઓને છેલ્લા કેટલાક મહિનામાં પેટ્રોલ, ડીઝલ અને LPGના વેચાણમાં મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. અંદાજ મુજબ માર્ચથી મે 2026 દરમિયાન કંપનીઓને કુલ મળીને લગભગ 1 લાખ કરોડની અંડર-રિકવરી થઈ છે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા હોવા છતાં કંપનીઓ તાત્કાલિક ગ્રાહકોને તેનો લાભ આપવાના મૂડમાં નથી. નિષ્ણાતોનું માનવું છે કે કંપનીઓ પહેલા પોતાનું નુકસાન ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ત્યારબાદ જ ઇંધણના ભાવમાં ફેરફાર અંગે વિચારશે.

ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મે મહિનામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ, ડીઝલ અને LPGના વેચાણ પર દરરોજ લગભગ 1000 કરોડનું નુકસાન થઈ રહ્યું હતું. બાદમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર આશરે 7.5નો વધારો થયા પછી આ નુકસાન ઘટીને દરરોજ લગભગ 500થી 600 કરોડ જેટલું રહ્યું હતું. બીજી તરફ પશ્ચિમ એશિયામાં વધેલા તણાવને કારણે LPGની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. સાઉદી અરામકોના કોન્ટ્રાક્ટ પ્રાઇસમાં ફેબ્રુઆરીથી જૂન 2026 દરમિયાન લગભગ 46 ટકા વધારો નોંધાયો હતો. જેના કારણે ઘરેલુ LPG સિલિન્ડર પર પણ ઓઇલ કંપનીઓને ભારે અંડર-રિકવરીનો સામનો કરવો પડ્યો છે. માત્ર માર્ચથી મે 2026 દરમિયાન LPG પર કંપનીઓને અંદાજે 22000 કરોડનું નુકસાન થયું હોવાનું જણાવવામાં આવે છે. જોકે ઘરેલુ ગ્રાહકો પર આ વધારાનો સંપૂર્ણ બોજ ન નાખતાં કંપનીઓએ તેનો મોટો હિસ્સો પોતે સહન કર્યો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલની સપ્લાયમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને અનેક દેશો હવે ભવિષ્યના જોખમોને ધ્યાનમાં રાખીને પોતાના સ્ટ્રેટેજિક ઓઇલ સ્ટોક વધારી રહ્યા છે. પરિણામે વૈશ્વિક બજારમાં તેલની ઉપલબ્ધતા પર દબાણ યથાવત રહેવાની શક્યતા છે. S&P Global Energyના અંદાજ મુજબ વર્ષ 2026ના બીજા છ મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ફરીથી 80થી 90 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ ઘટાડે તેવી સંભાવના ઓછી છે. ઊર્જા નિષ્ણાતોનું માનવું છે કે બજાર સંપૂર્ણપણે સ્થિર થવામાં અને ઓઇલ સપ્લાય સામાન્ય સ્થિતિમાં આવવામાં હજુ કેટલાક મહિના અથવા એક વર્ષ જેટલો સમય લાગી શકે છે. તેથી હાલના તબક્કે ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની શક્યતા ખૂબ ઓછી માનવામાં આવી રહી છે.

(10:42 PM IST)