તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
નવા યુપીઆઈ નિયમો સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન: 'MDR ચાર્જ આખરે સામાન્ય નાગરિકોના ખિસ્સા ખાલી કરશે'
નાણા મંત્રાલયના નોટિફિકેશન રદ કરવા અરજદારની માંગ: વિદેશી દબાણના આક્ષેપો ફગાવી કેન્દ્ર સરકારે કહ્યું, 'સ્થાનિક જરૂરિયાતોને આધારે લેવાયો નિર્ણય'

નવી દિલ્હી:કેન્દ્ર સરકાર અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) માટે જાહેર કરવામાં આવેલા નવા ફ્રેમવર્ક સામેનો વિરોધ હવે સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો છે. બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરીને ૧૫ ઓક્ટોબરથી અમલી બનનારા આ નવા નિયમોને કાનૂની પડકાર ફેંકવામાં આવ્યો છે. અરજદાર એડવોકેટ અંજન દત્તાએ નાણા મંત્રાલય દ્વારા ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલા બે સરકારી નોટિફિકેશનને રદ કરવાની માંગ કરી છે. આ અરજીમાં કેન્દ્ર સરકાર, ભારતીય રિઝર્વ બેંક (RBI), એનપીસીઆઈ (NPCI) અને યુપીઆઈને પ્રતિવાદી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
અરજદારની મુખ્ય દલીલ છે કે ભલે આ ચાર્જ સીધો વેપારીઓ પર લાદવામાં આવી રહ્યો હોય, પરંતુ અંતે તો તેનો આર્થિક બોજ ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવવધારાના રૂપમાં દેશના સામાન્ય નાગરિકો પર જ પડશે. ૧૫ ઓક્ટોબરથી લાગુ થઈ રહેલા આ નિયમ મુજબ ₹૨,૦૦૦ થી વધુના મર્ચન્ટ વ્યવહારો પર ૦.૪ ટકાનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ₹૭૫,૦૦૦ થી વધુના ટ્રાન્ઝેક્શન પર મહત્તમ ₹૩૦૦ નો ચાર્જ નક્કી કરાયો છે.
બીજી તરફ, નાણા મંત્રાલયે નવા નિયમો અંગે ખુલાસો કરતા વિદેશી કંપનીઓ કે સરકારોના દબાણ હેઠળ આ નિર્ણય લેવાયો હોવાના આક્ષેપોને સ્પષ્ટપણે ફગાવી દીધા છે. સરકારે જણાવ્યું છે કે આ ફેરફારો સંપૂર્ણપણે સ્થાનિક નાણાકીય જરૂરિયાતો અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. સરકારે અદાલતી કાર્યવાહી વચ્ચે ફરી દોહરાવ્યું છે કે સામાન્ય વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) વ્યવહારો પૂર્ણપણે મફત રહેશે, જ્યારે ૯૬ ટકા જેટલા નાના વેપારી વ્યવહારો પર આ નવા નિયમોની કોઈ અસર થશે નહીં.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
