તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
યુવકે ઇન્સ્ટાગ્રામ પર જેને પ્રપોઝ કર્યું તે તેની જ પત્ની નીકળી
પ્રભુદત્ત ત્રિપાઠી નામના ભાઈએ ઇન્સ્ટાગ્રામ પર એક મહિલા સાથે દોસ્તી કરી અને તેને લગ્ન કરવા માટે પ્રપોઝ કરી દીધું

પ્રયાગરાજ તા.૯: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક પત્નીએ તેના જ પતિને સોશ્યલ મીડિયા પર ફસાવી દીધો હતો. પ્રભુદત્ત ત્રિપાઠી નામના ભાઈએ ઇન્સ્ટાગ્રામ પર એક મહિલા સાથે દોસ્તી કરી અને તેને લગ્ન કરવા માટે પ્રપોઝ કરી દીધું. જોકે તેને ખબર નહોતી કે તે જેની સાથે ચેટ કરે છે તે બીજું કોઈ નહીં પરંતુ તેની જ પત્ની સોની છે. સોનીએ નકલી નામે અકાઉન્ટ બનાવીને પતિ સાથે ચેટિગ શરૃ કર્યું હતું અને પતિ સાચે જ તેની જાળમાં ફસાઈ ગયો. તેણે સોનીને બીજી કોઈ યુવતી સમજીને પ્રપોઝ કર્યું. એના જવાબમાં સોનીએ બીજી મેએ તેને નાગવાસુકિ મંદિર બોલાવ્યો હતો. પ્રભુદત્ત ત્રિપાઠી જેવો મંદિરે પહોંચ્યો તો ત્યાં ઊભેલી મહિલાને જોઈને ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યો, કેમ કે તેની સામે તેની જ પત્ની હતી. સોની છેલ્લાં પાંચ વર્ષથી પિયર રહેતી હતી. તેનો આરોપ છે કે પતિ તેને છોડીને બીજાં લગ્ન કરવાનું પ્લાનિગ કરી રહ્યો છે. એ ખબર મળતાં જ સોનીએ પતિનાં બીજાં લગ્નની ઇચ્છાનું બાળમરણ કરાવવા માટે આ છટકું ગોઠવ્યું હતું. મંદિરમાં પોતાની જ પત્નીને જોઈને ભાગવાની કોશિશ કરી રહેલા પતિને સોનીએ પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આસપાસના લોકોએ પોલીસને બોલાવી લીધી હતી અને પતિને પોલીસ ભેગો મોકલી દીધો હતો.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
