News of Thursday, 7th May 2026
કેનેડા જવા ઈચ્છતા લોકો સાવધાન: ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ્સ માટે આગામી ૧૫ જુલાઈથી નિયમો થશે કડક, છેતરપિંડી કરનારા એજન્ટોની હવે ખેર નથી!
ટ્રાન્સપરન્સી વધારવા અને ફ્રોડ રોકવા કેનેડા સરકારનો મોટો નિર્ણય: કન્સલ્ટન્ટ્સ પર દેખરેખ રાખતી 'કોલેજ' ને અપાઈ વધુ સત્તા, ગેરરીતિ કરનારાઓને ભારે દંડ અને લાયસન્સ રદ થવાની ભીતિ

ઓટાવા: કેનેડા જઈને પોતાનું ભવિષ્ય બનાવવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેનેડા સરકારે ઇમિગ્રેશન અને સિટિઝનશિપ કન્સલ્ટન્ટ્સ માટેના નિયમોમાં ધરખમ ફેરફારોની જાહેરાત કરી છે. આગામી ૧૫ જુલાઈ, ૨૦૨૬ થી અમલમાં આવનારા આ નવા નિયમોનો મુખ્ય હેતુ અરજદારોને છેતરપિંડીથી બચાવવાનો અને ઇમિગ્રેશન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે.
કન્સલ્ટન્ટ્સ પર 'કોલેજ' ની કડક નજર
નવા નિયમો હેઠળ, કેનેડામાં લાઇસન્સ ધરાવતા કન્સલ્ટન્ટ્સનું નિયમન કરતી સંસ્થા 'કોલેજ ઓફ ઇમિગ્રેશન એન્ડ સિટિઝનશિપ કન્સલ્ટન્ટ્સ' ને વધુ સત્તા આપવામાં આવી છે. હવે જો કોઈ કન્સલ્ટન્ટ નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા અરજદાર સાથે છેતરપિંડી કરશે, તો આ સંસ્થા તેમની સામે કડક દંડ અને શિસ્તભંગના પગલાં લઈ શકશે. આ ઉપરાંત, ૨૦૨૭ થી લાયસન્સ ધરાવતા કન્સલ્ટન્ટ્સની વધુ વિગતો જાહેર રજિસ્ટરમાં મૂકવામાં આવશે, જેથી અરજદારો સરળતાથી અધિકૃત પ્રતિનિધિઓને ઓળખી શકે.
પીડિતો માટે વળતર ભંડોળની વ્યવસ્થા
કેનેડા સરકારના મંત્રી લેના મેટલેજ ડાયબે જણાવ્યું હતું કે, "કેનેડામાં ભવિષ્ય બનાવવા માંગતા લોકોને પ્રામાણિક અને વિશ્વસનીય સલાહ મળવી જોઈએ." નવા માળખામાં એવા પીડિતો માટે 'કોમ્પેન્સેશન ફંડ' (વળતર ભંડોળ) ની પણ જોગવાઈ કરવામાં આવી છે જેમણે બેઈમાન કન્સલ્ટન્ટ્સને કારણે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હોય. તપાસ પ્રક્રિયાને વધુ સ્પષ્ટ બનાવવામાં આવી છે જેથી ગેરરીતિના કિસ્સાઓમાં ઝડપથી ન્યાય મળી શકે.
એજન્ટોની મનમાની પર લાગશે બ્રેક
નવા ફેરફારો મુજબ, જો કન્સલ્ટન્ટ્સનું બોર્ડ પોતાની ફરજો નિભાવવામાં નિષ્ફળ જશે, તો ઇમિગ્રેશન મંત્રી પાસે બોર્ડની જવાબદારી સંભાળવા માટે કોઈ અન્યની નિમણૂક કરવાની સત્તા પણ રહેશે. આ પગલાંથી એજન્ટોની મનમાની પર લગામ લાગશે અને કેનેડા આવવા માંગતા લોકોનો વિશ્વાસ વધશે. ભારતથી કેનેડા જતા લોકો માટે આ સમાચાર રાહતરૂપ છે કારણ કે દર વર્ષે હજારો લોકો ખોટા એજન્ટોની જાળમાં ફસાઈને લાખો રૂપિયા ગુમાવતા હોય છે. હવે આ પ્રકારના છેતરપિંડીના વ્યવસાયો સામે કેનેડા સરકારે રણશિંગુ ફૂંક્યું છે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
