તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
અંતિમ સંસ્કારમાં જઈ રહ્યા હતા લોકોઃ નદીની વચ્ચે જ પલટી ગઈ બોટઃ ૨૪ જીવતા પાણીમાં સમાયા
આફ્રિકન દેશ નાઇજીરિયામાં મોટી દુર્ઘટના સર્જાઈઃ અન્ય ૨૪ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા

બાયલ્સા,તા.૨૩: આફ્રિકન દેશ દક્ષિણ નાઇજીરિયાના બાયલ્સા રાજ્યમાં અંતિમ સંસ્કારમાં સામેલ થવા જઈ રહેલા લોકોથી ભરેલી એક હોડી નદીમાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૨૪ લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય ૨૪ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ શનિવાર, ૨૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ આ માહિતી આપી હતી. દુર્ઘટના બાદ ગુમ થયેલા લોકોની શોધખોળ અને બચાવ અભિયાન ચાલુ છે.
નાઇજીરિયાની નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (NEMA)ના પ્રવક્તા માન્ઝો ઇજેકીએ એક નિવેદનમાં જણાવ્યું કે હોડી એક સમુદાયમાંથી બીજા સમુદાય તરફ જઈ રહી હતી. તેમાં સવાર લોકો એક અંતિમ સંસ્કાર સમારોહમાં સામેલ થવા જઈ રહ્યા હતા. આ દરમિયાન બાયલ્સા રાજ્યમાં હોડી દુર્ઘટનાગ્રસ્ત થઈને ડૂબી ગઈ હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું નહોતું કે દુર્ઘટના બાદ કેટલા લોકો ગુમ છે અને હોડીમાં કુલ કેટલા મુસાફરો સવાર હતા. પોલીસ પ્રવક્તા મૂસા મોહમ્મદે શુક્રવારે જણાવ્યું હતું કે દુર્ઘટનામાં ૨૪ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવાયેલા લોકોને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં હોડીમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.
મૂસા મોહમ્મદે જણાવ્યું કે હોડીમાં સવાર મુસાફરોએ ચાલકને હોડીને કિનારા તરફ લઈ જવાની વિનંતી કરી હતી, પરંતુ તેણે કથિત રીતે તેમની વાત માની નહોતી. ત્યારબાદ હોડી પલટી ગઈ હતી. ઘટનાને પગલે હોડીનો સંચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જ્યારે હોડીના મેનેજરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ દુર્ઘટના બાદ બાયલ્સા રાજ્ય સરકારે હોડીના સંચાલકો અને મુસાફરોને સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરી છે.
રાજ્યના માહિતી કમિશનર એબિયુવોઉ કોકુ-ઓબિયાઈએ શનિવારે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે હોડીઓમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવા, વધુ ઝડપે હોડી ચલાવવા, બેદરકારી રાખવા અને લાઇફ જેકેટ વિના મુસાફરી કરવા જેવી પ્રવૃત્તિઓ પર રોક લગાવવી જોઈએ.
તેમણે કહ્યું, ‘ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવા, વધુ ઝડપે હોડી ચલાવવી, બેદરકારી રાખવી અને લાઇફ જેકેટ વિના મુસાફરી કરવાનું બંધ થવું જોઈએ. કોઈ પણ મુસાફરી કોઈના જીવ કરતાં વધુ મહત્ત્વની નથી.'
નોંધનીય છે કે નાઇજીરિયામાં હોડી દુર્ઘટનાઓ સામાન્ય છે. સુરક્ષાના નિયમોનો અસરકારક રીતે અમલ ન થવાને કારણે દેશના અનેક વિસ્તારોમાં ખરાબ હાલતમાં રહેલી હોડીઓ પૂરતાં સુરક્ષા સાધનો અને લાઇફ જેકેટ વિના જ મુસાફરોને લઈને ચાલે છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
