<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

ઇઝરાયલી દૂતાવાસથી માત્ર ૫૦ મીટર દૂર આવેલું પેન્ટહાઉસ વેચાણ હેઠળ: લોનના હપ્તા ન ભરાતાં લંડનમાં મોજતબા ખામેની સાથે જોડાયેલી ₹૪૫૦ કરોડની મિલકતની લીલામી

યુએસ દ્વારા પ્રતિબંધિત બેંકર અલી અંસારી મોર્ટેજ ચૂકવવામાં નિષ્ફળ જતાં બેંકે કબ્જો લીધો: સુરક્ષા વિભાગોમાં મિલકતના લોકેશન અંગે ચિંતા

લંડન: ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની સાથે કથિત સંબંધ ધરાવતા અને લંડનના પોશ વિસ્તાર કેન્સિંગ્ટન પેલેસ નજીક આવેલા વૈભવી પેન્ટહાઉસ લોનના હપ્તા (મોર્ટેજ) ન ચૂકવાતા હવે વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. અંદાજે ₹૪૫૦ કરોડ (£૩૬ મિલિયન) ની સંયુક્ત કિંમત ધરાવતી આ મિલકતોના કાગળ પર માલિક ઈરાની બેંકર અલી અંસારી છે, જેના પર યુએસ અને બ્રિટન દ્વારા પ્રતિબંધો લાદવામાં આવેલા છે.

અહેવાલો મુજબ, ધિરાણકર્તાઓએ અંસારી દ્વારા લોન ડિફોલ્ટ કરાતાં નાણાં વસૂલવા માટે પ્રથમ પેન્ટહાઉસને આશરે ₹૧૪૦ કરોડ માં વેચવા લિસ્ટ કર્યું છે. આ પેન્ટહાઉસ લંડનમાં આવેલી ઇઝરાયલી એમ્બેસીથી ૫૦ મીટરથી પણ ઓછા અંતરે સ્થિત છે અને ત્યાંથી દૂતાવાસ પર સીધી નજર રાખી શકાય છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ચિંતા સર્જાઈ છે. ઇમારતના ૬ઠા અને ૭મા માળે ફેલાયેલું ૩,૯૪૪ ચોરસ ફૂટનું ડુપ્લેક્સ પેન્ટહાઉસ ૫ બેડરૂમ, સ્ટાફ ક્વાર્ટર અને પ્રાઇવેટ ટેરેસ ધરાવે છે. બીજું પેન્ટહાઉસ ૭મા અને ૮મા માળે આવેલું છે. યુએસ ટ્રેઝરી વિભાગના રિપોર્ટ અને બ્લૂમબર્ગની તપાસ મુજબ, અલી અંસારી ખામેનીના મુખ્ય નાણાકીય નેટવર્ક અને શેલ કંપનીઓનું સંચાલન કરે છે. આતંકવાદ વિરોધી નિષ્ણાતોના મતે પેન્ટહાઉસના લોકેશન પરથી દૂતાવાસની વિદેશી ગતિવિધિઓ પર નજર રાખી શકાય તેમ છે, જોકે અહીંથી જાસૂસી થયાના કોઈ પ્રત્યક્ષ પુરાવા મળ્યા નથી.

(9:45 PM IST)