<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

દિલ્હીમાં છાત્રોની સંસદ માર્ચ દરમિયાન સુરક્ષા દળો દ્વારા પેલેટ ગન અને અશ્રુવાયુના અંધાધૂંધ ઉપયોગ અંગે મોટો પર્દાફાશ: દિલ્હી પોલીસના જનરલ ડાયરી એન્ટ્રી રિપોર્ટથી મચ્યો ભારે ખળભળાટ

​રેપિડ એક્શન ફોર્સ (RAF) દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર જીવલેણ પેલેટ છોડવા માટે દિલ્હી પોલીસના જ DCP કક્ષાના ઉચ્ચ અધિકારીએ મંજૂરી આપી હોવાનો સત્તાવાર દસ્તાવેજી પુરાવો સામે આવતા પોલીસના દાવાઓની ખૂલી પોલ

​નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં વિદ્યાર્થી સંગઠન 'CJP' (કોકરોચ જનતા પાર્ટી) દ્વારા યોજાયેલી સંસદ માર્ચ અને જંતર-મંતર ખાતેના આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓ પર થયેલા બળપ્રયોગ મામલે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. અત્યાર સુધી પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર પેલેટ ગન (Anti-Riot Guns) નો ઉપયોગ કરવાની વાત સતત નકારતી દિલ્હી પોલીસ પોતાના જ સરકારી દસ્તાવેજોમાં ઘેરાઈ ગઈ છે. સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની સત્તાવાર 'જનરલ ડાયરી' (GD) ની વિગતો સામે આવતા સાબિત થયું છે કે, દિલ્હી પોલીસના જ એક ઉચ્ચ ડીસીપી (DCP) કક્ષાના અધિકારીના સીધા આદેશ પર જ રેપિડ એક્શન ફોર્સ (RAF) ના જવાનો દ્વારા વિદ્યાર્થીઓ પર પેલેટ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

​સરકારી ડાયરીની એન્ટ્રીથી પોલીસનો દાવો ખોટો સાબિત થયો

પ્રાપ્ત વિગતો અનુસાર, દિલ્હી પોલીસે અગાઉ દાવો કર્યો હતો કે વિરોધ પ્રદર્શન દરમિયાન છાત્રો પર કોઈ પેલેટ ગન ચલાવવામાં આવી નથી. જોકે, પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ૨૨ જુલાઈની જનરલ ડાયરી એન્ટ્રી દર્શાવે છે કે, ૨૦ જુલાઈના રોજ જંતર-મંતર ખાતે તૈનાત કરવામાં આવેલી રેપિડ એક્શન ફોર્સની ટુકડીએ દિલ્હી પોલીસના ડીસીપી રેન્કના અધિકારીની સૂચનાથી બે વખત એન્ટી-રાયટ ગન્સ (પેલેટ ગન) નો ઉપયોગ કર્યો હતો. આ સત્તાવાર ડાયરી એન્ટ્રી સામે આવ્યા બાદ પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે.

​૫૫ નોન-ઈલેક્ટ્રિક શેલ અને પેલેટના બે રાઉન્ડ ફાયર કરાયા

આ સનસનાટીપૂર્ણ સરકારી દસ્તાવેજમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગનો સંપૂર્ણ હિસાબ પણ નોંધવામાં આવ્યો છે. ડાયરીની વિગતો મુજબ, આ હિંસક ઝપાઝપી દરમિયાન સુરક્ષા એજન્સીઓ દ્વારા કુલ ૫૫ નોન-ઈલેક્ટ્રિક શેલ (ગ્રેનેડ), ૧૫ ઈલેક્ટ્રિક શેલ અને ૫ ટીયર સ્મોક (અશ્રુવાયુ) ના ગ્રેનેડ છોડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સ્થિતિ પર કાબૂ મેળવવાના નામે એન્ટી-રાયટ ગનમાંથી બે રાઉન્ડ પેલેટ પણ પ્રદર્શનકારીઓ તરફ છોડવામાં આવ્યા હોવાની સત્તાવાર નોંધ છે.

​મેડિકલ રિપોર્ટ અને ઘાયલ વિદ્યાર્થીઓ સામે આવ્યા

આ પૂર્વે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પણ પેલેટ ગનથી ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ સાથે પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ પર આકરા પ્રહારો કર્યા હતા. પોલીસે સત્તાવાર રીતે પેલેટ ચલાવવાનો ઈનકાર કર્યો હોવા છતાં, હોસ્પિટલોના મેડિકલ રિપોર્ટમાં અનેક વિદ્યાર્થીઓના શરીરમાં પેલેટના ઘા હોવાની પુષ્ટિ થઈ ચૂકી હતી. હવે જ્યારે પોલીસ સ્ટેશનની ડાયરીમાંથી જ આ સત્ય બહાર આવ્યું છે, ત્યારે ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસ બેકફૂટ પર આવી ગયા છે. બીજી તરફ, આ મામલે સીઆરપીએફ (CRPF) દ્વારા પણ આ ઘાતક બળપ્રયોગ કરનારા આરએએફ (RAF) ના જવાનોની ઓળખ કરી આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હોવાના અહેવાલો સાંપડ્યા છે.

(2:02 PM IST)