News of Friday, 24th April 2026
Paytm પેમેન્ટ્સ બેંકનો ખેલ ખતમ: RBI એ કાયમી ધોરણે રદ કર્યું બેંકિંગ લાયસન્સ; આજથી જ તમામ બેંકિંગ કામકાજ પર પ્રતિબંધ
થાપણદારોના હિત જોખમાતા રિઝર્વ બેંકે લીધો અત્યાર સુધીનો સૌથી કડક નિર્ણય; લાયસન્સની શરતોના ઉલ્લંઘન બદલ Paytm હવે નહીં કરી શકે બેંકિંગ વ્યવસાય

નવી દિલ્હી : ભારતીય બેંકિંગ ક્ષેત્રના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડનું બેંકિંગ લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધું છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ લેવાયેલો આ આદેશ ૨૪ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ કામકાજ બંધ થવાની સાથે જ અમલમાં આવી ગયો છે. આ નિર્ણય સાથે હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક કોઈ પણ પ્રકારની બેંકિંગ પ્રવૃત્તિ કરી શકશે નહીં.
શા માટે RBI એ લીધું આ આકરૂં પગલું?
કેન્દ્રીય બેંકે જણાવ્યું છે કે Paytm પેમેન્ટ્સ બેંક તેને આપવામાં આવેલા લાયસન્સની શરતોનું પાલન કરવામાં સતત નિષ્ફળ રહી છે. RBI ના નિવેદન અનુસાર, બેંકનું સંચાલન એવી રીતે કરવામાં આવતું હતું જે થાપણદારો (Depositors) અને જાહેર જનતાના હિતો માટે નુકસાનકારક હતું. વારંવારની ચેતવણીઓ અને તપાસ બાદ પણ બેંકની કાર્યપ્રણાલીમાં જરૂરી સુધારો ન જણાતા આખરે લાયસન્સ રદ કરવાનો કઠોર નિર્ણય લેવો પડ્યો છે.
શું થશે હવે ગ્રાહકોનું?
RBI ના આ આદેશ બાદ Paytm પેમેન્ટ્સ બેંક હવે કોઈ પણ નવી ડિપોઝિટ સ્વીકારી શકશે નહીં કે બેંકિંગ વ્યવહાર કરી શકશે નહીં. આ ઉપરાંત, કેન્દ્રીય બેંક હવે હાઈકોર્ટ સમક્ષ આ બેંકને સત્તાવાર રીતે બંધ (Liquidation) કરવા માટેની અરજી પણ કરશે. જાહેર હિતને ધ્યાનમાં રાખીને RBI એ સ્પષ્ટ કર્યું છે કે આ સંસ્થાને વધુ સમય બેંકિંગ વ્યવસાય ચલાવવાની મંજૂરી આપવી તે કોઈ પણ રીતે યોગ્ય નથી.
નિયમોના ઉલ્લંઘનનું ગંભીર પરિણામ
પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે બેંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટની અનેક કલમોનું ઉલ્લંઘન કર્યું છે. ખાસ કરીને થાપણદારોના નાણાંની સુરક્ષા અને બેંકિંગ માપદંડોની અવગણના કરવી ભારે પડી છે. પેટીએમ માટે આ એક મોટો આંચકો છે, કારણ કે લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણનો આખરે આ રીતે અંત આવ્યો છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
